Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

રશિયન વિદેશ મંત્રીની પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત: વડાપ્રધાન મોદીએ યુદ્ધ જલ્દી સમાપ્ત કરવા આગ્રહ કર્યો

પ્રધાનમંત્રી મોદીએ શાંતિ પ્રયાસોમાં કોઈપણ પ્રકારના યોગદાન કરવા માટે ભારતની તત્પરતાથી અવગત કરાવ્યા.

નવી દિલ્હી :યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ ભારતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. રશિયન મંત્રીએ બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિશે જાણકારી આપી. ત્યારે મોદીએ યુદ્ધને જલદી સમાપ્ત કરવાનો અનુરોધ કર્યો.

આ દરમિયાન પ્રધાનમંત્રી  મોદીએ શાંતિ પ્રયાસોમાં કોઈપણ પ્રકારના યોગદાન કરવા માટે ભારતની તત્પરતાથી અવગત કરાવ્યા. ત્યારે રશિનય વિદેશ મંત્રીએ ડિસેમ્બર 2021માં આયોજીત ભારત-રશિયા દ્વિપક્ષીય શિખર સંમેલન દરમિયાન લેવામાં આવેલા નિર્ણયોની પ્રગતિ પર પ્રધાનમંત્રીને અપડેટ આપ્યા.

પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કર્યા પહેલા રશિયન વિદેશ મંત્રીએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે, ભારત મોસ્કો અને કીવ વચ્ચે મધ્યસ્થતા કરી શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચે અત્યાર સુધી થયેલી વાટાઘાટો યુદ્ધને સમાપ્ત કરવા માટે સમાધાન સુધી પહોંચવામાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે, ભારત એક મહત્વપૂર્ણ દેશ છે. આંતરરાષ્ટ્રીય પડકારો તરફ ભારતની સ્થિતિ ન્યાયપૂર્ણ અને યોગ્ય સમજણવાળી છે. રશિયા-યુક્રેન મામલે પણ સહયોગ કરી શકે છે.

તેમણે ભારતની સ્વતંત્ર વિદેશ નીતિની પ્રશંસા કરી અને ભારત પર અમેરિકાનું દબાણ, વીજળીના વધતા ભાવ અને રશિયા પર પ્રતિબંધો સહિત ઘણા મુદ્દા પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે અમેરિકી પ્રતિબંધોથી ભારત અને રશિયાની પાર્ટનશીપ પ્રભાવિત નહીં થાય. અમે ભારતને કોઈપણ સામાનનો પુરવઠો પુરા કરવા માટે તૈયાર છે. રશિયા અને ભારત વચ્ચે ઘણા સારા સંબંધ છે.

(11:41 pm IST)