Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ભારત રશિયા પાસેથી જે પણ ખરીદવા માંગે છે તે સપ્લાય કરવા અમે તૈયાર : રશિયાના વિદેશ મંત્રી

આર્થિક પ્રતિબંધ વચ્ચે રાશિયાની મોટી ઓફર : ભારતની સ્વતંત્ર વિદેશ નીતિની પ્રશંસા કરી

નવી દિલ્હી :યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ ભારતની પ્રથમ મુલાકાતે આવેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે શુક્રવારે વારંવાર ભારતની સ્વતંત્ર વિદેશ નીતિની પ્રશંસા કરી અને કહ્યું કે જો નવી દિલ્હી રશિયા પાસેથી કંઈપણ ખરીદવા માંગે છે, તો અમે તેના પર ચર્ચા કરવા તૈયાર છીએ. ” ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર ને મળ્યા બાદ લવરોવે પત્રકારોને જણાવ્યું હતું કે, “ભારત રશિયા પાસેથી જે પણ ખરીદવા માંગે છે તે સપ્લાય કરવા અમે તૈયાર છીએ.

તેમણે કહ્યું, “જો ભારત અમારી પાસેથી કંઈપણ ખરીદવા માંગે છે, તો અમે વાટાઘાટો કરવા અને પરસ્પર સ્વીકાર્ય સહયોગ સુધી પહોંચવા માટે તૈયાર છીએ.” રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ ગુરુવારે બે દિવસની સત્તાવાર મુલાકાતે ભારત પહોંચ્યા હતા. તેઓ ચીનનો પ્રવાસ પૂરો કરીને ભારત આવ્યા છે. ગયા મહિને રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ આ તેમની પ્રથમ મુલાકાત છે.

 

અગાઉ, વિદેશ પ્રધાન એસ જયશંકરે તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ લવરોવ સાથેની તેમની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે ભારતે તેના “એજન્ડા” ને વિસ્તારતી વખતે સહયોગમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કર્યો છે. જયશંકરે કહ્યું કે આજે અમારી બેઠક આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તી રહેલી તંગ પરિસ્થિતિમાં થઈ રહી છે અને ભારત હંમેશા વાતચીત અને કૂટનીતિ દ્વારા મતભેદો કે વિવાદોને ઉકેલવાના પક્ષમાં રહ્યું છે. લવરોવ સાથેની વાતચીત દરમિયાન જયશંકરે આ વાત કહી.

રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવે કહ્યું કે ભૂતકાળમાં ઘણા મુશ્કેલ પ્રસંગોએ પણ બંને દેશો વચ્ચેના સંબંધો શાશ્વત રહ્યા છે. “અમે સંતુલિત વિશ્વમાં રસ ધરાવીએ છીએ જે તેને ટકાઉ બનાવે છે,” તેમણે કહ્યું. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે જયશંકર સાથેની વાતચીત દરમિયાન વર્તમાન પરિસ્થિતિ માં ભારતના સ્ટેન્ડની પ્રશંસા કરી હતી.

ભારત અને રશિયા વચ્ચેની ઉચ્ચ સ્તરીય બેઠક એ સંકેતોની પૃષ્ઠભૂમિમાં થઈ હતી કે ભારત દ્વારા રશિયા પાસેથી વિશાળ ડિસ્કાઉન્ટ પર મોટા જથ્થામાં તેલ ખરીદવાની સંભાવનાઓ અને દ્વિપક્ષીય વેપાર માટે રૂપિયા-રુબલ વિનિમય વ્યવસ્થા સામે આવી છે.

(11:34 pm IST)