Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ભ્રષ્ટાચારના કેસમાં અનિલ દેશમુખ અનેસચિન વાજે CBIની કસ્ટડીમાં:જામીન અરજીની 8મીએ સુનાવણી

EDએ આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ ઘણા IAS, IPS અધિકારીઓ, CA, રાજકારણીઓ અને બાર માલિકો સહીત 51 લોકોના નિવેદન નોંધ્યા

મુંબઈ :સીબીઆઈ આજે ભ્રષ્ટાચારના કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ, સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સચિન વાઝે અને કુંદન શિંદેને કસ્ટડીમાં લેશે. બોમ્બે હાઈકોર્ટ  આ કેસમાં દેશમુખની જામીન અરજી પર 8મી એપ્રિલે સુનાવણી કરશે. 25 માર્ચે, કોર્ટે દેશમુખ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજી પર જવાબ આપવા માટે EDને એક અઠવાડિયાનો સમય આપ્યો હતો. અનિલ દેશમુખને અગાઉ આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે, 100 કરોડની વસૂલાત અને મની લોન્ડરિંગ કેસમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં દાખલ કરવામાં આવેલી તેની ચાર્જશીટમાં કહ્યું હતું કે દેશમુખ 1992થી તેમના પદનો અયોગ્ય લાભ લઈ રહ્યા છે.

અનિલ દેશમુખે 1992થી પોતાના પદનો ખોટો ફાયદો ઉઠાવ્યો છે. તેમણે ગેરકાયદેસર માધ્યમથી અઢળક પૈસા અને સંપત્તિ બનાવી છે. 13 કંપનીઓમાં ગેરકાયદેસર રીતે મેળવેલ નાણાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કંપનીઓ તેમના પુત્રો અથવા તેમના નજીકના સહયોગીઓની માલિકીની છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે તેમની સાથે ઘણા સરકારી કર્મચારીઓ પણ જોડાયેલા હતા અને તેઓ તેમને કામ કરાવતા હતા.

EDએ આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ 51 લોકોના નિવેદન નોંધ્યા છે. આમાં ઘણા IAS, IPS અધિકારીઓ, CA, રાજકારણીઓ અને બાર માલિકોનો સમાવેશ થાય છે. ચાર્જશીટ મુજબ, મુંબઈ પોલીસના બરતરફ અધિકારી સચિન વાજેએ તેમના નિવેદનમાં EDને કહ્યું છે કે દેશમુખે 16 વર્ષના સસ્પેન્શન પછી મુંબઈ પોલીસમાં તેમને ફરજ પર પાછા લેવા માટે તેમની પાસેથી 2 કરોડ રૂપિયાની માંગણી કરી છે.

ચાર્જશીટમાં જણાવાયું છે કે વાજેએ કહ્યું હતું કે ઘણા રાજકારણીઓ તેમને ફરજ પર પાછા લેવાની નિર્ણયની વિરુદ્ધ હતા. દેશમુશે તેમને 16 જૂન 2021ના રોજ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં બોલાવ્યા અને કહ્યું કે તેમણે એવા રાજકારણીઓ સાથે વાત કરી છે જેઓ તેમની ફરજ વાપસીની વિરુદ્ધ હતા. તેમણે તમામ નેતાઓને આશ્વાસન આપ્યું કે તેઓ સારું કામ કરશે.

EDએ એમ પણ કહ્યું હતું કે દેશમુખ સચિન વાજે પાસેથી નિયમિત માહિતી મેળવતા હતા અને મુંબઈના ઘણા બાર, રેસ્ટોરન્ટ અને અન્ય સંસ્થાઓમાંથી એક મહિનામાં 100 કરોડ રૂપિયાના વસુલી કરવાના સમગ્ર રેકેટમાં સામેલ હતા

(8:35 pm IST)