Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ફ્યુચર રિટેલના સીઈઓ સદાશિવ નાયકનું રાજીનામું

ફ્યુચર રિટેલની સૂળી વચ્ચે સોપારી ઃ સદાશિવ નાયકે લગભગ ૭ મહિના પહેલા ફ્યુચર રિટેલના સીઈઓતરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો

નવી દિલ્હી, તા.૧ ઃ બિગ બજાર બ્રાંડ સાથે કામ કરતી કંપની બિયાની સમૂહની ફ્યુચર રિટેલ(એફઆરએલ)ના સીઈઓએ એકાએક કંપનીમાંથી રાજીનામું આપી દીધું છે. એમેઝોન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી વચ્ચેના વિખવાદમાં સૂળી વચ્ચે સોપારી બનતી કંપનીનું ભાવિ અદ્ધતાલ થઈ રહ્યું છે.

ફ્યુચર રિટેલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) સદાશિવ નાયકે ગુરુવારે કોઈપણ કારણ આપ્યા વિના તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સદાશિવ નાયકે લગભગ ૭ મહિના પહેલા ભારતની સૌથી મોટી રિટેલ ચેઈનમાંની એક ફ્યુચર રિટેલના સીઈઓતરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

નાયક છેલ્લા ૧૮ વર્ષથી ફ્યુચર ગ્રૂપ સાથે સંકળાયેલા હતા અને ગત વર્ષે ઓગસ્ટમાં સીઈઓ તરીકે નિયુક્ત થયા હતા. તેઓ અગાઉ બિગ બજારનું નેતૃત્વ કરતા હતા, જે ફ્યુચર ગ્રુપની કરિયાણા અને અન્ય ચીજવસ્તુઓની રિટેલ બ્રાંડ છે.

સદાશિવ નાયકનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે કંપની અમેરિકન ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોન સાથે લાંબા સમયથી કાનૂની વિવાદનો સામનો કરી રહી છે. ઓગષ્ટ, ૨૦૨૦માં ફ્યુચર ગ્રૂપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને તેની તમામ અસ્કયામતો ૨૪,૭૧૩ કરોડ રૃપિયામાં વેચવા માટે એક સોદો કર્યો હતો. આ ડીલને લઈને એમેઝોન અને ફ્યુચર ગ્રુપ વચ્ચે કાનૂની વિવાદ ચાલી રહ્યો છે.

એમેઝોન આ ડીલને રોકવાનો પ્રયાસ કરી રહી છે. તેમનું કહેવું છે કે ફ્યુચર ગ્રુપે તેમની સાથે અમુક કરાર કર્યા હતા જેમાં જો કંપની કારોબાર વેચવા ઈચ્છુક હોય તો ખરીદવાનો પહેલો હક્ક એમેઝોન પાસે રહેશે. હાલ આ તમામ કેસ સુપ્રિમ કોર્ટમાં પેન્ડિંગ છે.

આ દરમિયાન ફ્યુચર રિટેલ લિમિટેડે ગુરુવારે સ્ટોક એક્સચેન્જો ખાતેની રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતુ કે ફ્યુચર ગ્રૂપના સ્થાપક અને સીઈઓ કિશોર બિયાનીને આગામી ત્રણ વર્ષ માટે ફ્યુચર રિટેલના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે.

(7:39 pm IST)