Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

યુએસે રિઝર્વ ખોલવાની જાહેરાત કરતાં ક્રૂડ બેરલ દીઠ ૧૦૦ ડોલરની નીચે

રશિયા-યુક્રેન યુદ્ધને લીધે ક્રૂડ ઓઈલમાં તેજી ઃ ઈતિહાસના ખૂબ ઓછા કિસ્સાઓમાં યુએસ ક્રૂડ ઓઈલના ફુગાવાને પહોંચી વળવા માટે રિઝર્વ ખોલતું હોય છે

નવી દિલ્હી, તા.૧ ઃ ક્રૂડના ટોચના સંગ્રહકાર અમેરિકાએ વધતા જતા ક્રૂડના ભાવને જોતા સપ્લાય વધારવા માટે રિઝર્વ ખોલવાની જાહેરાત કરતા ક્રૂડના ભાવ ગુરૃવાર મોડી રાત્રે ગગડ્યાં છે. ક્રૂડની કિંમત પ્રતિ બેરલ ૧૦૦ ડોલરની નીચે આવી ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે અમેરિકા તેના ક્રૂડ રિઝર્વને ખોલશે. ઈતિહાસના ખૂબ  ઓછા કિસ્સાઓમાં યુએસ ક્રૂડ ઓઈલના ફુગાવાને પહોંચી વળવા માટે રિઝર્વ ખોલતું હોય છે.

ઉ્ૈં ક્રૂડ ફ્યુચર્સ શુક્રવારે શરૃઆતના સેશનમાં ૨%થી વધુના ઘટાડે ૯૮ ડોલર પ્રતિ બેરલ અને બ્રેન્ટ ક્રૂડ પણ પોણા બે ટકાના ઘટાડે ૧૦૨.૭૫ ડોલરની આસપાર પહોંચ્યા છે. આ અઠવાડિયે અત્યાર સુધીમાં ૧૫%નો કડાકો જોવા મળ્યો છે,જે છેલ્લા બે વર્ષ એટલેકે કોરોનાની શરૃઆત બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે.

અહેવાલ અનુસાર અમેરિકા છ મહિના માટે દરરોજ ૧૦ લાખ બેરલ ક્રૂડ રિઝર્વમાંથી છોડવાની યોજના ધરાવે છે. આ સિવાય ગુરૃવારના એક અહેવાલ અનુસાર ઓપેક પ્લસ દેશો ક્રૂડનું ઉત્પાદન વધારીને મે મહિનામાં સપ્લાય વધારી શકે છે.

રશિયા યુક્રેન વચ્ચે આજે યુદ્ધનો ૩૭મો દિવસ છે ત્યારે વૈશ્વિક કોમોડિટી બજારોમાં ઉથલપાથલ છે અને ખાદ્યપદાર્થોથી લઈને ઈંધણ સુધીના ભાવ વધી રહ્યા છે.

 

(7:36 pm IST)