Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

શોપિયામાં એન્‍કાઉન્‍ટર : એક આતંકી ઠાર

મુઠભેડ હજુ પણ ચાલુ

શ્રીનગર તા. ૧ : દક્ષિણ કાશ્‍મીરના શોપિયાંના તુર્કુવાંગમ ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્‍ચે ચાલી રહેલી અથડામણમાં એક અજાણ્‍યો આતંકવાદી માર્યો ગયો હોવાના અહેવાલ છે. જમ્‍મુ-કાશ્‍મીર પોલીસે આ જાણકારી આપી છે. જમ્‍મુ અને કાશ્‍મીર પોલીસ, આર્મી અને સીઆરપીએફની સંયુક્‍ત ટીમે વિસ્‍તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ઇનપુટ્‍સ પર ગામને ઘેરી લીધું હતું.

જયારે સુરક્ષા દળોએ શંકાસ્‍પદ વિસ્‍તારમાં શોધખોળ તેજ કરી ત્‍યારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્‍ચે અથડામણ થઈ હતી.

નોંધનીય છે કે આ પહેલા શ્રીનગરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી. શ્રીનગરના રૈનાવારી વિસ્‍તારમાં મોડી રાત્રે થયેલા એન્‍કાઉન્‍ટરમાં સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠન લશ્‍કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પોલીસને માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો, દારૂગોળો અને અન્‍ય વાંધાજનક વસ્‍તુઓ મળી આવી હતી.

કાશ્‍મીરના આઈજીપી વિજય કુમારે કહ્યું કે શ્રીનગર એન્‍કાઉન્‍ટરમાં માર્યા ગયેલા બે સ્‍થાનિક લશ્‍કર-એ-તૈયબા/ટીઆરએફ આતંકવાદીઓ હતા. પોલીસે જણાવ્‍યું હતું કે માર્યા ગયેલા બંને આતંકવાદીઓ ખીણના રહેવાસી હતા અને ખીણમાં ઘણા નાગરિકોની હત્‍યાની ઘટનાઓમાં તેમનો હાથ હતો.

(2:18 pm IST)