Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ખાતર, દવા, ડીઝલમાં બેથી ચાર ગણો ભાવવધારો : શેરડીના ભાવ આજે પણ ૧૦ વર્ષ પહેલા જેટલા જ

ખર્ચ વધુ હોવાનું કારણ આગળ ધરી શેરડીના ઓછા ભાવ પાડવા તખ્‍તો ગોઠવાયો : બગાસ, મોલાસિસ, ખાંડની રિકવરી સારી હોવા છતાં ભાવ માત્ર ૨૦૦થી ૩૦૦ રૂપિયા જ વધારે પાડવા હિલચાલ

નવી દિલ્‍હી તા. ૧ : ધરતીપુત્રોની આવક બમણી કરવાની વાતો વચ્‍ચે ડગલે ને પગલે ખેડૂતોનું ખુલ્લેઆમ શોષણ થઇ રહ્યું છે. વીતેલા ૧૦ વર્ષમાં ખેતીની પડતર કિંમતમાં અનેકગણો વધારો થયો છે, પરંતુ ખેતપેદાશોના ભાવ આજે પણ દાયકાઓ જૂના જ છે. દક્ષિણ ગુજરાતના મુખ્‍ય પાક ગણાતા શેરડીની વાત કરીએ તો છેલ્લા ૧૦ વર્ષમાં દવા, રાસાયણિક ખાતર, મજૂરી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ચારથી પાંચ ગણો વધારો થયો છે. તેની સામે શેરડીના ભાવ ૧૦ વર્ષથી ૨૫૦૦થી ૩૧૦૦ની વચ્‍ચે પાડવામાં આવી રહ્યા છે.
રાસાયણિક ખાતરમાં સલ્‍ફેટની જે ગુણી ૨૦૧૨માં ૩૯૭ના ભાવે મળતી હતી, તેના આજે ૧૧૦૦ થયાં, પોટાશના ૨૦૧૨માં ૮૮૨ હતા, તે ૧૭૦૦ રૂપિયા થઇ ગયા છે. તેવી જ રીતે ૨૦૧૨માં ૬૯ રૂપિયે લિટર મળતું પેટ્રોલ આજે ૧૦૧ રૂપિયે મળી રહ્યું છે. જયારે ડીઝલ ૪૬થી ૯૬ રૂપિયા ઉપર પહોંચી ગયું છે. પરંતુ શેરડીના ટનદીઠ ભાવ આજે પણ ૨૫૦૦થી ૩૦૦૦ની વચ્‍ચે પાડવામાં આવી રહ્યા છે. વીતેલા ૧૦ વર્ષમાં સુગર ઇન્‍ડસ્‍ટ્રીઝમાં ઘણું બદલાઈ ગયું પરંતુ દક્ષિણ ગુજરાતના લાખો ખેડૂતોની સ્‍થિતિ આજે પણ બદલાઈ નથી. ત્‍યારે આ વર્ષે સુગરમિલોને ખાંડની સારી રિકવરી મળવા સાથે બગાસ, મોલાસિસના પણ સારા ભાવ મળ્‍યા હોવાથી શેરડીના ભાવ ૩૦૦૦થી ૩૫૦૦ રૂપિયા વચ્‍ચે ભાવ પાડવામાં આવે તેવી માંગ ઊઠી છે.
સુગરમિલોના અણઘડ કારભારને કારણે વીતેલા વર્ષોમાં કેટલીક સુગરમિલોને કરોડો રૂપિયાનું લોન અને વ્‍યાજનું દેવું થઇ ગયું છે. આ વખતે સુગરમિલોના કરોડો રૂપિયાનો ફાયદો થાય તેમ છે. ખેડૂતોને આ વખતે પણ ઊઠાં ભણાવી ઓછા ભાવ જાહેર કરી તગડો નફો રળી લેવા સુગરમિલોના કારભારીઓએ તખ્‍તો ગોઠવી દીધો છે.
આ વર્ષે સુગર ફેક્‍ટરીઓને ખાંડના સારા ભાવ મળવા સાથે બગાસ, મોલાસિસના ભાવ પણ સારા મળ્‍યાં છે, એટલું જ નહીં કેટલીક સુગરમિલોને ખાંડની રિકવરી પણ સારી આવી છે. ત્‍યારે શેરડીના ટનદીઠ ઓક્‍ટોબરના ભાવ ૩૦૦૦થી વધુ પાડવામાં આવે તેવી પ્રબળ માંગણી ઊઠી છે. તેમજ ૩૦૦૦થી નીચા ભાવ પાડવામાં આવે તો ખેડૂતોએ લડી લેવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.
ખેડૂતોને પાયમાલ કરવા સુગરમિલોએ કોઈ કસર બાકી રાખી નથી. પહેલા શેરડીની ઉપરના પાંદડા પોતે પશુઓ માટે લઇ જતા હતા, પરંતુ હવે તો સુગરમિલના શ્રમિકો પોતાની માલિકી ગણી મિલને બદલે મનફાવે તેને આપી દે છે. આ ઉપરાંત શેરડીની કાપણી કરતાં શ્રમિકોની મજૂરી અને વાહતૂકના વધેલી ભાવનો બોજો પણ ખેડૂતો ઉપર પડી રહ્યો છે.

 

(10:57 am IST)