Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ઇંધણ ખરીદવામાં અસમર્થ શ્રીલંકાની સરકારનો સ્ટ્રીટ લાઇટ બંધ કરી પૈસા બચાવવાનો પ્રયાસ

શ્રીલંકાના ઉર્જા પ્રધાને કહ્યું-અધિકારીઓને વીજળી બચાવવા માટે સ્ટ્રીટ લાઇટ બંધ કરવાની સૂચના આપી:કોલંબો સ્ટોક એક્સચેન્જે પાવર કટના કારણે એક સપ્તાહ માટે ટ્રેડિંગનો સમય 2 કલાક ઘટાડી દીધો

શ્રીલંકાની આર્થિક સ્થિતિ સતત કથળી રહી છે. સ્થિતિ એ છે કે ઇંધણ ખરીદવામાં અસમર્થ શ્રીલંકાની સરકાર સ્ટ્રીટ લાઇટ બંધ કરીને પૈસા બચાવવાનો પ્રયાસ કરી રહી છે. રોયટર્સે શ્રીલંકાના ઉર્જા મંત્રીના હવાલા દ્વારા આ માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર શ્રીલંકામાં ઇંધણની અછતને કારણે લાંબા સમય સુધી પાવર કટ જોવા મળી રહ્યો છે. સ્થિતિ વણસતી બચાવવા સરકારને રસ્તાઓ પર અંધારપટ કરવાની ફરજ પડી છે. શ્રીલંકાની સરકારે માહિતી આપી છે કે શનિવારે ભારતમાંથી ડીઝલનું શિપમેન્ટ આવી રહ્યું છે. જે બાદ સ્થિતિમાં થોડો સુધારો થવાની આશા છે. જો કે, મંત્રીએ સ્પષ્ટ કર્યું કે પરિસ્થિતિ જલ્દી સામાન્ય નહીં થાય.

રિપોર્ટ અનુસાર, હાલમાં શ્રીલંકામાં 13 કલાકનો પાવર કટ જોવા મળી રહ્યો છે. હાલમાં વિદેશી મુદ્રા ભંડારના અભાવે દેશ ઇંધણની આયાત કરી શકતો નથી. આ સાથે ઉનાળામાં વિક્રમી વધારાને કારણે વીજળીની માગમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ પાણી ઉત્પન્ન કરતા જળાશયોમાં પાણી એટલુ નીચું પહોંચી ગયું છે કે વીજળીના ઉત્પાદનને અસર થઈ છે

શ્રીલંકાના ઉર્જા પ્રધાને રોઇટર્સને જણાવ્યું હતું કે તેમણે અધિકારીઓને વીજળી બચાવવા માટે સ્ટ્રીટ લાઇટ બંધ કરવાની સૂચના આપી દીધી છે. બીજી તરફ કોલંબો સ્ટોક એક્સચેન્જે પાવર કટના કારણે એક સપ્તાહ માટે ટ્રેડિંગનો સમય 2 કલાક ઘટાડી દીધો છે.

(12:48 am IST)