Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

મોંઘવારીનો વધુ એક માર આવશે :માત્ર એલપીજી સિલિન્ડર જ નહીં સીએનજી અને પીએનજીના ભાવ પણ ફરીવાર વધશે

મોદી સરકારે કુદરતી ગેસના ભાવમાં બમણાથી વધુનો વધારો કર્યો

નવી દિલ્હી : મોંઘવારી ના મારથી પહેલાથી જ સામાન્ય જનતા પરેશાન છે ત્યારે ટૂંક સમયમાં વધુ એક વખત જનતાને મોંઘવારીનો આંચકો લાગી શકે છે. મોદી સરકારે કુદરતી ગેસના ભાવમાં બમણાથી વધુનો વધારો કર્યો છે. આ કારણે માત્ર એલપીજી સિલિન્ડર જ નહીં પરંતુ સીએનજી અને પીએનજીના ભાવ પણ ટૂંક સમયમાં ફરી વધવાની આશા છે. તેનાથી કિચનનું બજેટ તો વધશે જ પરંતુ ભાડામાં પણ મોટો વધારો જોવા મળી શકે છે. પેટ્રોલ પહેલા જ સદી (રૂ. 100 પ્રતિ લિટરથી ઉપર) ફટકારી ચૂક્યું છે અને એલપીજી ગેસ સિલિન્ડર પણ હજારી બની ગયો છે.

પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા ગુરુવારે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર, 2022 સુધી આગામી છ મહિના માટે સ્થાનિક કુદરતી ગેસની કિંમત 6.1 ડોલર પ્રતિ mmBtu થઈ છે. 31 માર્ચના રોજ તેની કિંમત 2.9 ડોલર પ્રતિ mmBtu હતી.

ઘરેલુ કુદરતી ગેસના ભાવમાં વર્ષમાં બે વખત સુધારો કરવામાં આવે છે. હવે ઓક્ટોબરમાં કિંમતમાં સુધારો કરવામાં આવશે. અમેરિકા, કેનેડા અને રશિયા જેવા મોટા ગેસ ઉત્પાદક દેશોમાં જારી કરાયેલ વાર્ષિક સરેરાશ કિંમતોના આધારે અહીં કુદરતી ગેસની કિંમતો નક્કી કરવામાં આવે છે. આ મોટા ઉત્પાદકોની વાર્ષિક સરેરાશ કિંમત એક ક્વાર્ટર પહેલા સુધી લેવામાં આવે છે. એટલે કે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2021 સુધીની સરેરાશ કિંમતના આધારે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીની કિંમતો નક્કી કરવામાં આવી છે.

(9:52 am IST)