Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

અફઘાનિસ્તાનમાં તાલિબાને મહિલાઓની એકલી વિમાની મુસાફરી પર મુક્યો પ્રતિબંધ

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાને મહિલાઓની પુરૂષ સંબંધીઓ સાથે ન હોય તેવી વિમાની મુસાફરી પર પ્રતિબંધ મુક્યો છે. એરલાઈન્સ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તાલિબાને તમામ એરલાઈન્સને આદેશ આપ્યો છે કે, મહિલાઓને ફ્લાઈટમાં પુરૂષ સંબંધીઓ વગર ન ચઢવા દે.
ગત વર્ષે ઓગસ્ટમાં કટ્ટરપંથી તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા બાદ મહિલાઓ પરના નિયંત્રણો વધુ આકરા બનાવવામાં આવી રહ્યા છે. બુધવારે પહેલી વખત છોકરીઓની શાળાને ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ થોડા કલાકો બાદ મહિલાઓ પર નવા નિયંત્રણો લાદીને તમામ છોકરીઓ માટેની શાળાઓ બંધ કરી દીધી હતી. અફઘાનિસ્તાનની એરિયાના અફઘાન એરલાઈન અને કામ એરના (Ariana Afghan airline and Kam Air) બે અધિકારીઓએ રવિવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે, તાલિબાને તેમને આદેશ આપ્યો છે કે, તેઓ એકલાં મુસાફરી કરતી મહિલાઓને વિમાનમાં ન ચઢવા દે. અધિકારિઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, તાલિબાનની બે એરલાઈન કંપનીઓના પ્રતિનિધિઓ અને એરપોર્ટ ઈમિગ્રેશન અધિકારીઓ વચ્ચે ગુરૂવારે થયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

(6:50 pm IST)