Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

બ્રિટનમાં ચપ્પલની અછત! હોટેલ-સ્પાની ગ્રાહકોને ઘરેથી ચપ્પલ લાવવા વિનંતી

ચપ્પલની અછતને કારણે જે લોકો હોટલ કે સ્પામાં રોકાવા જઈ રહ્યા છે તેમને મફતમાં સ્પા ચંપલ આપવામાં આવી રહ્યાં નથી

લંડન,તા. ૨૮ : કોઈપણ કોમોડિટીની માંગ અને પુરવઠો નક્કી કરે છે કે તેનો કેટલા લોકો ઉપયોગ કરે છે. કેટલીકવાર માલની અછત હોય છે, જેના કારણે તેની માંગ વધી જાય છે. આ દિવસોમાં બ્રિટનમાં આવી જ અછત જોવા મળી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે યુકેમાં ચપ્પલની અછત છે. આવી સ્થિતિમાં માત્ર હોટલ અને સ્પા જ નહીં સામાન્ય લોકોને પણ આના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બ્રિટનમાં રાષ્ટ્રીય સ્તરના ચપ્પલની અછત છે. અહીંની હોટલ અને સ્પા લોકો પાસેથી અજીબોગરીબ વિનંતીઓ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ચપ્પલની અછતને કારણે જે લોકો હોટલ કે સ્પામાં રોકાવા જઈ રહ્યા છે તેમને મફતમાં સ્પા ચંપલ આપવામાં આવી રહ્યાં નથી. આવી સ્થિતિમાં, હવે ગ્રાહકોને તેમની સાથે ચપ્પલ લાવવા વિનંતી કરવામાં આવી રહી છે.

લોકોએ આ રિવ્યુ ટ્રિપ એડવાઈઝર પર મૂકયો છે કે તેમને દ્યરેથી ચપ્પલ લાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં તેમને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને સેવા પૂરી ન મળવાને કારણે તેઓને પણ ખરાબ લાગે છે. રિપોર્ટ અનુસાર, એક મહેમાનને જણાવ્યું કે તેણે એસેકસમાં ગ્રીનવુડ્સ હોટેલ એન્ડ સ્પામાં તેનું બુકિંગ કરાવ્યું હતું. અચાનક તેમને હોટેલમાંથી એક મેઈલ આવ્યો કે રાષ્ટ્રીય ચપ્પલની અછતને કારણે લોકોને ઘરેથી ચપ્પલ લાવવાની જરૂર છે કારણ કે તેઓ હોટેલ અને સ્પામાં ચપ્પલ આપી શકશે નહીં.

તમને જણાવી દઈએ કે બ્રિટનમાં માત્ર ચપ્પલ જ નહીં, અન્ય વસ્તુઓની પણ અછત છે. સપ્લાય ચેઇનને નુકસાન થયું છે કારણ કે કોરોના રોગચાળા દરમિયાન ભારે વાહનો ચલાવતા ડ્રાઇવરોની ભારે અછત છે. હોટેલો અને મોટા કારોબારીઓ જથ્થાબંધ વસ્તુઓની ખરીદી કરતા હતા, જેના કારણે તેઓને માલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. રિપોર્ટ અનુસાર, જયારથી લોકડાઉન ખતમ થયું છે અને કોવિડના કેસમાં દ્યટાડો થયો છે, લોકો બહાર ફરવા જવાની યોજના બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ચપ્પલની અછત હોટલ માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. ઘણી હોટેલોમાં શેમ્પૂ, ટુવાલ વગેરેની પણ અછત છે.

(9:59 am IST)