Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

કોરોના વાયરસના કારણોસર બે વર્ષથી બંધ થયેલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ આવતી કાલથી થશે શરૂ


નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થવાના કારણે કેન્દ્ર સરકારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને ફરી એક વખત સંચાલિત કરવાનો નિર્ણય લીધો છે. આવતી કાલથી એટલે કે, 27મી માર્ચ 2022ના રોજથી આ સેવા શરૂ થઈ જશે. જોકે કોવિડના નિયમોનું પાલન કરવું પડશે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટના કારણે છેલ્લા 2 વર્ષથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ (International Flights) પર પ્રતિબંધો લાગુ હતા. પરંતુ આવતીકાલથી આ પ્રતિબંધોનો અંત આવશે. તમામ પાસાઓની સમીક્ષા કર્યા બાદ સરકારે આંતરરાષ્ટ્રીય યાત્રી વિમાન સેવા (International Commercial Passenger Services) પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. - કોવિડ 19ના દિશા-નિર્દેશો પ્રમાણે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં 3 સીટ ખાલી રાખવાનો નિર્ણય દૂર કરવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA)એ કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને રોકવા માટે 23 માર્ચ 2020થી ભારતમાં આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ યાત્રી વિમાન સેવાઓનું સંચાલન સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. પરંતુ વેક્સિનેશન કાર્યક્રમમાં તેજી અને કોરોનાના કેસમાં ઘટાડા બાદ સરકારે આંતરરાષ્ટ્રીય વિમાન સેવાને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તાજેતરમાં જ કહ્યું હતું કે, તેમને આગામી 2 મહિનામાં એરલાઈન ટ્રાફિક પ્રી-કોવિડ લેવલ સુધી પહોંચી જશે તેવી આશા છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, આના સાથે સંકળાયેલા તમામ સ્ટેક હોલ્ડર્સ સાથે વાતચીત કરવામાં આવી રહી છે જેથી આંતરરાષ્ટ્રીય વિમાન સેવાને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરી શકાય.

 

(6:33 pm IST)