Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

મારિયૂપોલના થિયેટરમાં થયેલ બોંબ એટેકમાં હજારો લોકો દટાયા હોવાની આશંકા

નવી દિલ્હી: અમેરિકા અને યુરોપીય દેશોના તમામ આંતરરાષ્ટ્રીય દબાણ છતાં રશિયાના યુક્રેન પરના હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. યુક્રેનનો આરોપ છે કે, રશિયાએ થિયેટરની અંદર શરણ લઈ રહેલા યુક્રેની નાગરિકો પર બોમ્બ વરસાવ્યા છે. રશિયાની આ એરસ્ટ્રાઈકમાં અનેક લોકો માર્યા ગયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. યુક્રેને કરેલા દાવા પ્રમાણે થિયેટરમાં 1000 લોકો હતા જેઓ એરસ્ટ્રાઈક બાદ કાટમાળમાં દટાયા છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે, રશિયાની સેનાએ મારિયુપોલ શહેર પાસે એક થિયેટર પર અચાનક જ એરસ્ટ્રાઈક કરી હતી. યુદ્ધની સ્થિતિ વચ્ચે આ થિયેટરની અંદર સેંકડો યુક્રેની નાગરિકો શરણ લઈ રહ્યા હતા. યુક્રેનના કહેવા પ્રમાણે આ હુમલામાં કેટલા લોકોના મોત થયા અને કેટલા લોકોને ઈજા પહોંચી તે હજુ અસ્પષ્ટ છે પરંતુ આ હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને 21 દિવસ વીતી ગયા છે. આજે ગુરૂવારે બંને દેશ વચ્ચેના યુદ્ધનો 22મો દિવસ છે. અનેક આકરાં પ્રતિબંધો છતાં રશિયા યુક્રેન પરના હુમલાઓ રોકવા માટે બિલકુલ તૈયાર નથી. 

(6:41 pm IST)