Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

જાપાનના મંદિરમાં રાખવામાં આવી છે ભારતના પનોતા પુત્ર સુભાષ ચંદ્ર બોઝની અસ્થિઓ !

નવી દિલ્હી તા. ૧૦ : નેતાજી સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ આજે પણ રહસ્ય છે. નેતાજી ૧૮ ઓગસ્ટ ૧૯૪૫ ના રોજ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે. એવું પણ કહેવાય છે કે રેંકોજી મંદિરમાં નેતાજીની અસ્થિ પણ રાખવામાં આવી છે. આ મંદિર જાપાનની રાજધાની ટોકયોમાં આવેલું છે.

રેન્કોજી મંદિર જાપાનના પ્રખ્યાત પર્યટન સ્થળોમાંનું એક છે. દાવો કરવામાં આવે છે કે આ મંદિરમાં નેતાજીની અસ્થિ રાખવામાં આવી છે. દર વર્ષે આ મંદિર ૧૪ ઓગસ્ટના રોજ સામાન્ય લોકો માટે ખોલવામાં આવે છે. ૯ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ આ મંદિરની મુલાકાત લીધી હતી.

અહીં આવતાં વાજપેયીએ લખ્યું, હું ફરી રેન્કોજી આવીને ખુશ છું, જયાં ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની યાદો સચવાયેલી છે. આ પરથી સમજી શકાય છે કે ભારતીયો માટે આ સ્થાન કેટલું મહત્વનું છે.

આ એક વિવાદાસ્પદ મુદ્દો છે, પરંતુ દાવો કરવામાં આવે છે કે નેતાજીની અસ્થિ ત્યાં રાખવામાં આવી છે. ૧૯૯૯ માં નેતાજી બોઝના મૃત્યુની તપાસ માટે અટલ સરકારે મુખર્જી પંચની રચના કરી હતી. આયોગના અધ્યક્ષ જસ્ટિસ મનોજ કુમાર મુખર્જી રેન્કોજી મંદિરમાં ગયા હતા અને જે લાકડાની પેટીમાં નેતાજીની અસ્થિ રાખવાનો દાવો કરવામાં આવ્યો હતો તે બોકસ તેમના દ્વારા ખોલી શકાયુ ન હતો. એવું કહેવાય છે કે તે દિવસે જાપાનમાં રાષ્ટ્રીય રજા હતી, તેથી કોઈ મિકેનિક તેની મદદે આવી શકયો નહીં.

તે પછી મુખર્જી ત્યાંથી ચાલ્યા ગયા અને ભારતીય રાજદૂતને તે બોકસ વિશે રિપોર્ટ આપવા કહ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ બોકસમાં ભુરા રંગના કાગળમાં હાડકાંના ટુકડા અને જડબાના હાડકાંનો સેટ રાખવામાં આવ્યો છે.

(11:44 am IST)