Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે : વડાપ્રધાનના ગુજરાત પ્રવાસની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી : કાલે તા.૨૮ જુલાઇએ સાબર ડેરીના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ -ખાતમુહૂર્ત કરશે*સાબર ડેરી ખાતે રૂ. ૩૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટ લોકાપર્ણ કરશે

વડાપ્રધાનશ્રીના હસ્તે ભારતના પ્રથમ ‘‘ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી’’ના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરશે : GIFT-IFSCમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ(IIBX)નો શુભારંભ કરાવશે

રાજકોટ તા.૨૭

 પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે તા.૨૮ જુલાઇના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબરડેરીના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં સાબર ડેરી હિંમતનગર ખાતે રૂ. ૩૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ તેમજ રૂ. ૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર ચીઝ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત રૂ. ૧૨૫ કરોડના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે સુકન્યા યોજના અન્વયે દિકરીઓને ખાતા ખોલવાનો કાર્યક્રમ અને મહત્તમ દૂધ ઉત્પાદન કરનાર મહિલા પશુપાલકોનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સન્માન પણ કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ વિગતો આપતા ઉમેર્યુ હતું. 

 

પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૨૯ જુલાઈ,૨૦૨૨નાં રોજ સાંજે ૪:૦૦ કલાકે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર IFSCની મુલાકાત લેશે. વડાપ્રધાનશ્રીના હસ્તે ભારતના પ્રથમ‘‘ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી’’ના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરાશે. GIFT-IFSCમાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ(IIBX)નો પણ શુભારંભ કરશે.

 

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન, ગુજરાતના નાણા અને ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીશ્રી ડૉ. ભગવત કિશનરાવ કરાડ તેમજ કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીશ્રી પંકજ ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.

(4:45 pm IST)