Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

બનાસકાંઠા, ખેડા અને ભાવનગરના ખેડૂતોને મળશે ઓપરેશન ગ્રીન સ્કીમનો લાભ:કેન્દ્ર સરકારની મંજૂરી

હવે બટાકા, ટામેટા અને ડુંગળીમાં ઓછા ભાવ હશે ત્યારે ખેડૂતો અને વેપારીઓને સબસીડી મળી શકશે.

અમદાવાદ :રાજ્યમાં બટાકા, ડુંગળી અને ટામેટા પકવતા ખેડૂતો અને વેપારીઓ માટે આનંદના સમાચાર છે.કેન્દ્ર સરકારની ઓપરેશન ગ્રીન સ્કીમ અંતર્ગત હવે બટાકા, ટામેટા અને ડુંગળીમાં ઓછા ભાવ હશે ત્યારે ખેડૂતો અને વેપારીઓને સબસીડી મળી શકશે. છેલ્લા કેટલાય વર્ષોથી આ લાભ ગુજરાતના ખેડૂતોને મળતો ન હતો. જે મામલે રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવડિયાની રજૂઆત બાદ ગુજરાતના ખેડા ભાવનગર અને બનાસકાંઠા જિલ્લાનો ઓપરેશન ગ્રીન સ્કીમ અંતર્ગત સમાવેશ થતા મંદીમાં ખેડૂતોને અને વેપારીઓને રાહત મળશે.

બનાસકાંઠા જિલ્લો બટાકા પકવવામાં અગ્રેસર છે. જ્યારે ખેડા ટામેટા જ્યારે ભાવનગર ડુંગળી ઉત્પાદનમાં અગ્રેસર છે. દર વર્ષે આ પાકના ઓછા ભાવ ખેડૂતોને વેપારીઓ માટે સૌથી મોટી સમસ્યા બને છે. છેલ્લા કેટલાય વર્ષોથી બટાકા ડુંગળી અને ટામેટાના ભાવ ગગડતા વેપારીઓ સહાય માટે વારંવાર અપેક્ષા કરતા હોય છે. પરંતુ કેન્દ્ર સરકારની ઓપરેશન ગ્રીન સ્કીમ  2017 વર્ષથી કાર્યરત હોવા છતાં ગુજરાતના ખેડૂતોને તેનો લાભ મળતો ન હતો.

આ મામલે રાજ્યસભાના સાંસદ અને ખેડૂત પુત્ર દિનેશભાઈ અનાવાડિયાએ દેશના કૃષિ મંત્રીને રજૂઆત કરી હતી. ગુજરાતના બટાકા ટામેટા અને ડુંગળી પકવતા ખેડૂતોને પણ આ સ્કીમનો લાભ મળે તે માટે રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને લઇ કેન્દ્ર સરકારે ગુજરાતના બનાસકાંઠા ખેડા અને ભાવનગર જિલ્લાને આ સ્કીમ અંતર્ગત સમાવેશ કર્યો છે. જેથી આગામી સમયમાં જ્યારે આ ત્રણેય પાકોના ભાવ નીચે જશે તો ખેડૂતો અને વેપારીઓને પ્રતિ 50 કિલોએ 50 રૂપિયા જેટલી સબસીડી મળવાપાત્ર થશે.

(7:49 pm IST)