Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

પાટણમાં આંતરજ્ઞાતિય લગ્ન યોજના હેઠળના ૧૦ લાભાર્થીઓને ૧૦ લાખની સહાયનું વિતરણ

જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના હસ્તે સહાયના ચેક તથા રાષ્ટ્રીય બચતપત્રો એનાયત

પાટણ: કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હૉલમાં જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન યોજના હેઠળના ૧૦ લાભાર્થીઓને રૂ.૧૦ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. છેવાડાના અને વંચિત સમાજના લોકોને મુખ્યધારામાં લાવવા સતત પ્રયત્નશીલ રાજ્ય સરકાર દ્વારા અનુસુચિત જાતિ તેમજ અન્ય જાતિના વ્યક્તિઓ વચ્ચે લગ્ન થકી અશપૃશ્યતા નિવારી સામાજિક સમરસતા લાવવા ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન યોજના હેઠળ સહાય ચૂકવવામાં આવે છે. આંતરજ્ઞાતિય લગ્નના કારણે જ્ઞાતિ બહાર મૂકવા કે સામાજીક ખફાનો ભોગ બનનાર દંપતિ ખુમારીથી સુખમય જીવન જીવી શકે તે માટે સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવા દંપતિને ઘરવખરી માટે રૂ.૫૦,૦૦૦ની સહાયનો ચેક તથા ભવિષ્યની અનામત તરીકે ૫૦,૦૦૦ના રાષ્ટ્રીય બચતપત્રો આપવામાં આવે છે તેમ અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ, પાટણના નાયબ નિયામક પી.ડી.સરવૈયાએ જણાવ્યું હતું. પાટણ જિલ્લાના સમી, રાધનપુર, ચાણસ્મા, શંખેશ્વર, સરસ્વતી, સિદ્ધપુર, સાંતલપુર તથા પાટણ તાલુકાના કુલ ૧૦ જેટલા નવવિવાહિત દંપતિઓને જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાના હસ્તે સહાયના ચેક તથા રાષ્ટ્રીય બચતપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

(7:48 pm IST)