Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સુરતમાં સ્કૂલમાં મસ્તી બદલ ધો-10 માં ભણતી પુત્રીને પિતાએ ઠપકો આપતા ઘર છોડી મુંબઇ ચાલી ગઇ !!

વિદ્યાર્થીનીએ મધર ટેરેસા ચેરીટી ઓફિસના સ્ટાફની મદદથી પિતાના મિત્રના પુત્રને ફોન કરી પોતે મુંબઇ હોવાનું જણાવતા પોલીસ અને પરિવારે રાહતનો દમ લીધો

સુરત :  વેસુ વિસ્તારની એલ.પી. સવાણી સ્કુલમાં ચાલુ કલાસમાં તોફાન મસ્તી કરતી ધો. 10ની વિદ્યાર્થીને પિતાએ ઠપકો આપતા ઘર છોડીને ચાલી જતા પોલીસ અને પરિજનો દોડતા થઇ ગયા હતા. જો કે મુંબઇના ચર્ચગેટ સ્થિત ચર્ચ ખાતે પહોંચેલી વિદ્યાર્થીનીએ મધર ટેરેસા ચેરીટી ઓફિસના સ્ટાફની મદદથી પિતાના મિત્રના પુત્રને ફોન કરી પોતે મુંબઇ હોવાનું જણાવતા પોલીસ અને પરિવારે રાહતનો દમ લીધો હતો.

વેસુ વીઆઇપી રોડ સ્થિત શ્યામ મંદિર વિસ્તારમાં રહેતા કાપડ વેપારી ત્રણેક દિવસ અગાઉ સામાજીક કામ અર્થે બહારગામ ગયા હતા. તે દરમિયાન વેસુ વિસ્તારની સ્કુલમાં અંગ્રેજી માધ્યમમાં ભણતી તેમની પુત્રી રીયા (ઉ.વ. 14 નામ બદલ્યું છે) ચાલુ કલાસમાં મસ્તી કરતી હોવાથી પ્રિન્સીપાલે મળવા બોલાવ્યો હોવાનો કોલ આવ્યો હતો. ગત રોજ વેપારી બહારગામથી પરત આવ્યો ત્યારે પુત્રી રીયાને સ્કુલમાં મજાક મસ્તી અને તોફાન કેમ કરે છે એમ કહી ઠપકો આપી સ્કુલમાં મળવા બોલાવ્યો છે એવું કહ્યું હતું. જેથી રીયા ઘર છોડીને ચાલી ગઇ હતી. સ્થાનિક વિસ્તાર અને મિત્ર વર્તુળમાં તપાસ કરી હતી પરંતુ રીયાનો પત્તો નહીં મળતા છેવટે ખટોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન વેપારીના મિત્રના પુત્ર પર રીયાનો ફોન આવ્યો હતો અને તે પોતે હાલમાં મુંબઇના ચર્ચગેટ સ્થિત ચર્ચની બાજુમાં મધર ટેરેસા ચેરીટીની ઓફિસમાં હોવાનું જણાવ્યું હતું. જેથી મિત્રના પુત્રએ તુરંત જ વેપારીનો સંર્પક કરી રીયા મુંબઇમાં હોવાની જાણ કરી હતી. વેપારીએ પોલીસની મદદથી જે નંબર પરથી કોલ આવ્યો હતો તે મધર ટેરેસા ચેરીટીના મહિલા મેમ્બર સાથે વાત કરી હતી અને બીજી તરફ મુંબઇ રહેતા સબંધીને તુરંત જ મોકલાવી રીયાનો કબ્જો લઇ લીધો હતો.

(7:19 pm IST)