Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

મહાત્મા મંદિર ખાતે કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે “કસુંબીનો રંગ ઉત્સવ” ઉજવાશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવનનું ઇ-ખાતમૂહુર્ત કરાશે

ગાંધીનગર :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષતામાં આવતીકાલે તા. ૨૮ ઓગસ્ટ શનિવારના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ કાળીદાસ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતીના ભાગરૂપે રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે “કસુંબીનો રંગ” ઉત્સવ- સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે સવારે ૧૦.૦૦ કલાકે મહાત્મા મંદિર ખાતે ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી રૂપાણીના હસ્તે ગુજરાત સાહિત્ય અકાદમીના નવા ભવન- ઝવેરચંદ મેઘાણી સાહિત્ય અકાદમી ભવનનું ઇ-ખાતમુહૂર્ત, રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણી- વેબ પોર્ટલનું લોકાર્પણ અને ગ્રંથાલયોને શ્રી ઝવેરચંદ મેઘાણીના પુસ્તકોના સેટનું વિતરણ કરવામાં આવનાર છે.
આ પ્રસંગે ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના નામાંકિત કલાકારો મેઘાણીના વિવિધ ગીતો પ્રસ્તૃત કરશે.

(6:31 pm IST)