Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

અકસ્‍માતમાં ડ્રાઇવરની ભુલ હશે તો પણ વિમા કંપનીઓએ વળતર ચૂકવવુ પડશેઃ ગુજરાતમાં સલામત સવારી કરતા લોકો અને તેના ડ્રાઇવર-કંડકટરના હિતમાં ગુજરાત હાઇકોર્ટનો મહત્‍વનો ચુકાદો

અનેક વાંધાઓ રજૂ કરી વળતર ચૂકવવાની છટકબારી શોધતી વિમા કંપનીઓની છટકબારી હાઇકોર્ટએ બંધ કરી દીધી

અમદાવાદઃ ગુજરાતમાં સલામત સવારી કરતાં લોકો અને તેના ડ્રાઈવર-કંડકટરના હિતમાં ગુજરાત હાઈકોર્ટએ મહત્વનો ચુકાદો આપ્યો છે. અકસ્માતમાં ડ્રાઈવરની ભૂલ હોય તો પણ વીમા કંપનીઓએ વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

વીમા કંપનીઓને હાઈકોર્ટનો આદેશ

ઘણા સમયથી મોટર એક્સિડન્ટ ક્લેઈમ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી જે બાદ હાઈકોર્ટએ આજે બસના ડ્રાઈવર અને કંડકટરની તરફેણમાં મોટો ચુકાદો આપ્યો છે. વીમા કંપનીઓને મોટી લપડાક આપતા કહ્યું કે પ્રીમીયમ ભર્યુ હશે તો વળતર ચુકવવું જ પડશે, અકસ્માતનું કારણ ગમે તે હોય તે પર વીમા કંપનીઓ ધ્યાન ન આપે, ડ્રાઈવરની ભૂલ હોય તો પણ વીમા કંપનીઓએ વળતર આપવું પડશે. મહત્વનું છે કે વીમા કંપની મસમોટા વળતર લઈ કાયદામાં બાકોરા કરી ગમે તેમ કરી અકમાતના વીમો પાસ કરવાથી બચતી હોય છે. ત્યારે હાઈકોર્ટનો આ ચુકાદો મોટર એક્સિડન્ટનો ક્લેઈમ ભરતા લોકો અને સરકારી વાહનો માટે મહત્વનો છે.

વીમા કંપનીઓ છટકબારી શોધતી

મોટા ભાગની મોટર એક્સિડન્ટનો વીમો ઉતારવતી કંપનીઓ વાહનોનું પ્રીમિયમ લેતી હતી સામે જ્યારે અકસ્માત થાય ત્યારે અનેક વાંધાઓ રજૂ કરી વળતર ચૂકવવા છટકબારી શોધતી, પણ હવે તે છટકબારીને હાઈકોર્ટએ બંધ કરી દીધી છે. અને બસમાં  ડ્રાઈવર-કંડકટરના હિત માટે કરાયેલી અરજીમાં મોટો ચુકાદો આપી, વીમાં કંપનીઓને હાઈકોર્ટએ આદેશ કર્યો છે કે પ્રીમીયમ ભર્યુ હશે તો અકસ્માતનું કારણ ગમે તે હોય તમારે વળતરનું ચૂકવણું સમયસર કરવું પડેશે. ડ્રાઈવરની ભૂલ હોય તો પણ જો પ્રીમિયમ ભરેલું હશે તો હવે વીમા કંપની વળતર આપવા બંધાયેલી છે. મહત્વનું છે કે બસના ડ્રાઈવર જ્યારે અકસ્માતનો ભોગ બનતા કે અકસ્માત સર્જાયાના કારણ બનતા ત્યારે તેમને પ્રીમિયમ ભર્યું હોવા છતાંય પોતાના ખિસ્સામાંથી નુકસાન થયેલી રકમ ભરપાઈ કરવી પડતી હતી પણ કોર્ટનો આ ચુકાદો ડ્રાઈવર-કંડકટરના હિતમાં આવ્યો છે જેથી વીમા કંપનીઓમાં જો પ્રીમિયમ ભર્યું હશે તો ડ્રાઈવર કે કડકટર જો અકસ્માતનો ભોગ બન્યા હશે તો પણ તેમને તાત્કાલિકના ધોરણે વળતર આપવું ફરજિયાત છે. થર્ડ પાર્ટી વીમો જો હોય તો હવે ડ્રાઈવરને રાહત મળી શકશે.

(5:17 pm IST)