Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગભાણા ગામના પુષ્‍પાબેન તડવીએ 117 દિવસ બાદ કોરોનાને હંફાવ્‍યોઃ 77 દિવસ વેન્‍ટીલેટર ઉપર રહ્યા બાદ નવજીવન મળ્‍યુ

કોરોનાના કારણે ફેફસા 85 ટકા ડેમેજ થઇ ગયા હતાઃ તબીબોની મહેનત રંગ લાવીઃ હોસ્‍પિટલમાંથી રજા અપાઇ

વડોદરા: કોરોના કાળમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલે જીવલેણ કોરોનાની સમર્પિત સારવાર કરીને દર્દીઓની જીવન દોર લંબાવવાની અનેક યશસ્વી ગાથાઓ આલેખી છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગભાણા ગામના પુષ્પાબેન તડવીને ટીમ સયાજીએ કોરોના અને તેના લીધે ફેફસાની થયેલી ખાનાખરાબીમાંથી મુક્ત કર્યાં છે.

પુષ્પાબેન 30 મી એપ્રિલથી 26 મી ઓગસ્ટ સુધી લગભગ 119 દિવસ સુધી પહેલા ખાનગી અને પછી સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યાં હતા. આ પૈકી લગભગ 77 દિવસ તેઓ વેન્ટિલેટર પર રહ્યા હતા. ૩૦ એપ્રિલના રોજ તેઓ કોરોના સંક્રમિત થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે તેમની હાલત ખૂબ ગંભીર હતી અને ફેફસાને લગભગ 85 ટકા નુકશાન થઈ ચૂક્યું હતું. કોરોના વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે, તેમનો કોરોના સંબંધી આરટીપીસીઆર રિપોર્ટ તો મે મહિનામાં જ નેગેટિવ થઇ ગયો હતો. જોકે કોરોનાને લીધે તેમના ફેફસાં લગભગ બિન કાર્યક્ષમ થઈ ગયાં હોવાથી વેન્ટિલેટર સારવાર જરૂરી હતી.

11 મી જૂને દર્દીઓ ઘટી જતાં સમરસ વિસ્તરણ સુવિધા બંધ થઈ જતાં પુષ્પાબેનને છેલ્લા દર્દી તરીકે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અહીં તેમની રેસપીરેટરી આઈ. સી. યુ.( આર. આઈ. સી. યુ.) માં ડો.જયંત ચૌહાણની ટીમની દેખરેખ હેઠળ વેન્ટિલેટર સારવાર આગળ ધપાવવામાં આવી. આ ટીમના ડો.પીંકેશ રાઠવા, ડો.પ્રિયંકા પટેલ, ડો. અસલમ ચૌહાણ અને નર્સિંગ તથા સહાયક સ્ટાફે નવજીવન આપવાના સંકલ્પ સાથે તેમની અવિરત સારવાર કરી દર્દીનું મનોબળ વધાર્યું.

તેમના બગડેલા ફેફસાં સુધારવા, નવેસરથી કાર્યરત કરવા, ફેફસાનું બ્લડપ્રેશર ઘટાડવા, ફાઇબ્રોસીસનું નિવારણ કરીને તેમને પુનઃ મજબૂત અને કાર્યક્ષમ કરવા મોંઘી એન્ટીબાયોટિક દવાઓ અને ઈન્જેક્શન આપ્યા.

આખરે તેમની જહેમત અને યમદૂતો સામે પુષ્પાબેનની મક્કમ લડત રંગ લાવી અને આજે તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત થઈને, નવજીવન પામીને હોસ્પિટલમાંથી વિદાય થયા ત્યારે ભાવસભર વાતાવરણ સર્જાયું હતું. દર્દી અને સ્વજનોની આંખોમાં આભારના આંસુ મોતીની જેમ તગતગતા હતા. તો ડોક્ટરો અને સ્ટાફની આંખોમાં કોઈનું જીવન બચાવવાની મહેનત લેખે લાગ્યાના હર્ષની ભીનાશ હતી.

પુષ્પાબેનની આંખો બંને તરફ ભીની હતી, માત્ર કારણો જુદાં હતા. પુષ્પાબહેનને કોરોના અને સંલગ્ન બીમારી સામે જિંદગીનો જંગ જીતાડી ટીમ સયાજીએ ફરી એકવાર સરકારી આરોગ્ય સેવાના બેમિસાલ સમર્પણની તાકાતનો દાખલો બેસાડ્યો છે.

(5:15 pm IST)