Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સૌરાષ્‍ટ્રની જાત્રા કરીને પરત ફરી રહેલ પાટણ જીલ્લાના ભાભર ગામના માળી પરિવારને અકસ્‍માતઃ ડ્રાઇવરે કાબુ ગુમાવતા ગાડી પલ્‍ટી જતા બે ના મોતઃ 8 વ્‍યકિતઓને ઇજા

રૂપેણ નદીનો પુલ સાંકડો હોવાથી વારંવાર અકસ્‍માત સર્જાય છેઃ પુલ પહોળો કરવા સ્‍થાનિકોની માંગણી

પાટણ: પાટણના શંખેશ્વરના રૂપેણ નદીના પુલ પર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. સૌરાષ્ટ્રથી યાત્રા કરી ભાભર જઈ રહેલી ઈકો ગાડીને અકસ્માત નડ્યો હતો. આ ગાડીમાં 10થી વધુ લોકો સવાર હતા. જેમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે અન્ય 8 લોકોને ઈજા થતા તેમને શંખેશ્વર સરકાર હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રૂપેણ નદીનો પુલ સાંકડો હોવાથી અકસ્માત સર્જાયાની આશંકા છે.

બન્યું એમ હતું કે, ભાભરનો માળી પરિવાર સૌરાષ્ટ્રની જાત્રા પર ગયો હતો. પરિવારના 10 જેટલા સભ્યો સૌરાષ્ટ્ર ફરવા ગયા હતા. મોડી રાત્રે સૌરાષ્ટ્ર દર્શન કરીને તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યાં રાત્રે બે વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. શંખેશ્વરની રૂપેણ નદી પર નાનકડો પુલ આવેલો છે. આ પુલ પરથી મુસાફરોથી ભરેલી ઈકો કાર પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. દિવાલ સાથે અથડાઈને ગાડી સીધી નીચે તરફ પડી હતી.

આ ઘટનામાં ઈકો કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. ઈકો કારને એટલી હદે નુકસાન થયુ હતું કે માળી પરિવારના બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો 8 પરિવારજનોને ભારે ઈજા પહોંચી હતી. તમામ ઈજોગ્રસ્તોને સારવાર માટે શંખેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જોકે, રૂપેણ નદીનો પુલ સાંકડો હોઈ આ અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિકોનું કહેવુ છે.

મૃતકોના નામ

અરજણભાઈ રામજીભાઈ માળી અને ધુળીબેન શામજી માળી

ઈજાગ્રસ્તોના નામ

નયનાબેન નરેશભાઈ માળી, નરેશભાઈ અરજણભાઈ માળી, માલતી ભરતભાઈ માળી, કૌશિક મગનભાઈ માળી, દેવશી મગનભાઈ માળી, જેઠીબેન કાનજીભાઈ માળી, મોની અરજણભાઈ માળી, ધાર્મિક મેઘાભાઈ માળી,  હંસરાજભાઈ બારોટ, મેઘા સાવજીભાઈ માળી

(5:11 pm IST)