Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

નાગ પંચમીએ નાગદેવતાની પુજા કરાઇ, શનિવારે રાંધણ છઠ હોવાથી બહેનો વાનગીઓ બનાવશે

વિરમગામ, માંડલ, સાણંદ તાલુકા સહીત અમદાવાદ જીલ્લામાં આવેલા નાગદેવતા મંદિરે અનેરો આનંદ જોવા મળ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :  શ્રાવણ વદ પાંચમના દિવસ એટલે નાગ પંચમી. વિરમગામ શહેર સહિત વિરમગામ, માંડલ, દેત્રોજ-રામપુરા, સાણંદ, બાવળા તાલુકા સહિત અમદાવાદ જીલ્લામાં શુક્રવારે નાગ પંચમીના દિવસે મંદિરમાં નાગ દેવતાનુ પુજન અર્ચન કરવામાં આવ્યુ હતુ. નાગ દેવતાને તલવટ, કુલેર, દુધ, શ્રીફળ સહિતનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. નાગદેવતા મંદિર ખાતે વહેલી સવારથી ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. અનેક ગામમાં નાગદેવતા મંદિરે નાગપંચમીના મેળામાં ભરાતા હોય છે પરંતુ વર્તમાન કોરોનાની મહામારી ને કારણે તમામ મેળાઓ બંધ રહ્યા હતા. શ્રાવણ વદ છઠ એટલે કે શનિવાર રાંધણ છઠ દિવસે વિરમગામ, માંડલ, દેત્રોજ-રામપુરા, સાણંદ, બાવળા તાલુકામાં મહિલાઓ દ્વારા અવનવા વ્યંજનો બનાવવામાં આવશે અને શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડુ ભોજન આરોગવામા આવશે. રાંધણ છઠના દિવસે ગૃહણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની જશે અને નવી-નવી વાનગીઓ બનાવશે. મહિલાઓ દ્વારા પસંદગી મુજબ થેપલા, બાજરાના વડા, પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચાં, કંકોડાનું શાક, તીખી સેવ, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, ખીર અને મિષ્ઠાન સહિતની વાનગીઓ બનાવવામાં આવશે. આધુનીક સમયમાં પાણીપુરી, ભેળપુરી, વેજ સેંડવીજ, ફ્રૂટ સલાડ જેવી વાનગીઓ પણ બનાવવામાં આવશે. વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરવામાં આવશે અને ચૂલાને ઠારવામાં આવશે . લોકવાયરા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે. તેથી શીતળા સાતમના રોજ ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગે છે.

(4:54 pm IST)