Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ટ્રુબીમ, ટોમોથેરાપી, સાઇબર નાઇફ, બ્રેકીથેરાપી અને સીટી સીમ્યુલેટર જેવી અત્યાધુનિક રેડીયોથેરાપી મશીન ધરાવતી દેશની પ્રથમ સરકારી કેન્સર હોસ્પિટલ - GCRI : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અમદાવાદ સીવિલ મેડીસીટીની કેન્સર હોસ્પિટલની મુલાકાત લઇ ઉપલબ્ધ મશીનરીની કામગીરીનો તાગ મેળવ્યો : કેન્સરની સારવારમાં અત્યાધુનિક તકનીકી સેવાઓથી સજ્જ મશીનો ટૂંક સમયમાં દર્દીઓ માટે કાર્યરત કરાશે

તકનીકોના વિકાસ પ્રમાણે સરકારી સેવાઓ અને સુવિધાઓમાં પણ વિકાસ જરૂરી છે જેને પારખીને સરકાર દ્વારા રાજ્યની આરોગ્યલક્ષી સેવાઓમાં સમયાંતરે વિકાસ સાધવામાં આવ્યો છે : શ્રી નીતિનભાઇ પટેલ : સ્થાનિક સ્તરે કેન્સરગ્રસ્ત દર્દીઓને સારવાર મળી રહે તે માટે જામનગર, વડોદરા, ભાવનગર જેવા જિલ્લાઓમાં પણ કેન્સરહોસ્પિટલ કાર્યરત કરવામાં આવી

રાજકોટ તા.૨૭ : અમદાવાદ સિવિલ મેડીસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં રાજ્ય સરકારના સહયોગ થી અંદાજીત 75 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રેડીયાથેરાપી સારવારને લગતા વિવિધ મશીનો કાર્યરત કરાવવામાં આવી છે તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાંવી ટૂંક સમયમાં આ તમામ મશીનો દર્દીઓની સેવામાં કાર્યરત બનશે તેમ કહ્યું હતુ. 

શ્રી નીતિનભાઇ પટેલે આજે સિવિલ મેડીસીટી કેમ્પસમાં આવેલી ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટની નવીન બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. તેઓએ આ નવીન બિલ્ડીંગમાં સ્થિત અત્યાધુનિક મશીનરીની મુલાકાતી લઇને જાત માહીતી મેળવી હતી. 

સમગ્ર દેશમાં સરકારી હોસ્પિટલમાં કેન્સરગ્રસ્ત દર્દીઓની રેડીયોથેરાપી માટેના આ પ્રકારના અત્યાધુનિક મશીન કાર્યરત કરવામાં આવ્યા હોય તેવું ગુજરાત પ્રથમ રાજ્ય હોવાનું નાયબ મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યું હતુ. 

આ પ્રકારના રેડીયોથેરાપી મશીન કેન્સરગ્રસ્ત દર્દીઓની પીડાના સચોટ નિદાન કરીને તેની સત્વરે અને ચોક્કસ સારવાર કરવામાં અત્યંત લાભદાયી હોવાનું શ્રી નીતિનભાઇ પટેલે કહ્યું હતુ. તેઓએ એમ પણ ઉમેર્યુ કે,આ પ્રકારના અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મશીન કેન્સરગ્રસ્ત અંગ અથવા કોશિકાના માઇક્રો અથવા મીલીમીટર જેટલા ભાગનું પણ નિદાન કરીને સારવાર કરવામાં સક્ષમ છે. 

ઉક્ત રેડીયોથેરાપી મશીનરી દેશની જૂજ હોસ્પિટલમાં જ જોવા મળે તેમ જણાવી અમેરિકા અને યુરોપ જેવા દેશમાંથી આ પ્રકારના મશીન સરકારી ખર્ચે ઉપલબ્ધ થયા હોવાનું નાયબ મુખ્યમંત્રી શ્રી એ કહ્યુ હતુ. 

મીડીયા સાથેના સંવાદમાં તેઓએ જણાવ્યું કે , અગાઉ સમગ્ર રાજ્યમાં કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અમદાવાદ સીવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલ જ એકમાત્ર કેન્દ્ર હતું. જે કારણોસર અહીં દર્દીઓનો ધસારો જોવા મળતો હતો. કેન્સરની સર્જરી માં પણ લાબું વેઇટીંગ જોવા મળતું હતુ. 

રાજ્ય સરકારએ આ સ્થિતિ પારખીને દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવા  જામનગર, વડોદરા,રાજકોટ, ભાવનગર જેવા જિલ્લાઓમાં પણ કેન્સર હોસ્પિટલ કાર્યરત કરીને સ્થાનિક સ્તરે જ કેન્સરગ્રસ્ત દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટેનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે.  

રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીમાં પણ રાજ્યની હોસ્પિટલમાં જ્યાં પણ અત્યાધુનિક મશીનરીની જરૂરિયાત ઉભી થઇ તે યુધ્ધના ધોરણે સંતોષી છે. દર્દીઓને સત્વરે અને શ્રેષ્ઠ સારવાર મળે એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા રહી છે. 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ સીવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલને વધુ વિકસાવવા અને અત્યાધુનિક બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવણી કરીને તે દિશામાં પગલા હાથ ધરવામાં આવ્યા છે. 

હાલ કેન્સરના જૂના બિલ્ડીંગમાં 300 પથારી કાર્યરત છે. કેન્સરનું નવીન બિલ્ડીંગ સંપૂર્ણ પણે કાર્યરત બનતા કેન્સરગ્રસ્ત દર્દઓની સારવારમાં કુલ 600 પથારીની વ્યવસ્થા ઉપલબ્ધ બનશે. કેન્સરના નવીન બિલ્ડીંગ માં 15 ઓપરેશન થીયેટર બનાવવામાં આવ્યા છે અને  બોનમેરો ટ્રાન્સ્પ્લાન્ટ માટેની સુવિધાઓ ત્રણ ગણી વધારવામાં આવી છે. 

-અમિતસિંહ ચૌહાણ

(4:52 pm IST)