Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સરેરાશ વરસાદ ઓછો છતાં પણ રાજયમાં પાણીની એક વર્ષ સુધી તંગી નહિં સર્જાયઃ નિતીનભાઇ પટેલ

રાજકોટ તા. ર૭: ઘણા વર્ષો બાદ ગુજરાતમાં એકંદરે વરસાદ ઓછો થવાને કારણે મોટા ભાગના જિલ્લાઓમાં સરેરાશ વરસાદ કરતા પણ ઓછો વરસાદ થયો છે તેમ છતાંય આગામી આખુય વર્ષ રાજયના નાગરિકોને પીવાના પાણી માટે કોઇ તકલીફ પડશે નહીં, કેમકે રાજયની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં પીવાના પાણી માટે હાલ પૂરતો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે એ રાજયનાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે સરદાર સરોવર યોજના દ્વારા રાજયના ચાર કરોડથી વધુ નાગરિકોને પીવાનું પાણી પુરૃં પાડવામાં આવી રહ્યું છેઅ ને લાખ્ખો ખેડૂતોને સિંચાઇ માટે તથા લાખ્ખો પશુઓને પીવાનું પાણી પુરૃં પાડવામાં આવી રહ્યું છે. પરંતુ મધ્ય પ્રદેશમાં પણ ઓછો વરસાદ હોવાના પરિણામે નર્મદાના કમાન્ડ વિસ્તારમાં પણ ઓછું પાણી હોવાના લીધે સરદાર સરોવર ડેમમાં પાણીનો જથ્થો ઓછો છે તેમ છતાંય પીવાના પાણી માટે જથ્થો અનામત રાખીને ખેડૂતોને શકય એટલું પાણી સિંચાઇ માટે કેનાલો મારફત આપવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, ખેડૂતોને તેમનો પાક બચાવવા માટે જે ખેડૂતો કૂવા કે ટયુબવેલ દ્વારા પાણી મેળવી રહ્યા છે એમને આઠ કલાકના બદલે દશ કલાક વીજળી આપવાનો નિર્ણય રાજય સરકારે અગાઉથી કર્યો છે જેના પરિણામે રોજના એક કરોડ વધારાના વીજ યુનિટ ખેડૂતો આજે વાપરી રહ્યા છે. આ વધારાના વીજ યુનિટ માટેના ખર્ચની સબસીડી ખેડૂતો વતી રાજય સરકાર ચુકવશે.

આમ રાજયના નાગરિકોને પીવાના પાણી અને ખેડૂતોને સિંચાઇ માટે પાણી પુરૃં પાડગવા માટે રાજય સરકાર સઘન કામગીરી કરી રહી છે.

(4:00 pm IST)