Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

કોરોના કાળમાં પણ નહોતા થંભ્યા માલગાડીના પૈડા

પશ્ચિમ રેલ્વેની પ૦૦૦ કરોડની કમાણીમાં અમદાવાદ ડીવી.ની ભાગીદારી ર૧૧પ કરોડની

ગાંધીનગર તા. ર૭: જયારે કોરોના મહામારીમાં ફેકટરીઓ અને રસ્તાઓ પરના વાહનોના પૈડા થંભી ગયા હતા ત્યારે ગુડઝ ટ્રેનો ચાલતી રહી હતી.

જો પશ્ચિમ રેલ્વેની કમાણીની વાત કરીએ તો ર૧ ઓગષ્ટ સુધીમાં પ૦ હજાર કરોડ રૂપિયાથી વધારેની કમાણી થઇ છે જેમાં અમદાવાદ ડીવીઝનની ભાગીદારી લગભગ અર્ધી છે. મતલબ કે ૧૮૭૧.૬૪ કરોડ રૂપિયાની આવક અમદાવાદ ડીવીઝનની છે. જે લગભગ ૪૬.૪૯ ટકા છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જન સંપર્ક અધિકારી સુમિત ઠાકુર અનુસાર ૧ એપ્રિલથી ર૧ ઓગસ્ટ સુધીમાં પશ્ચિમ રેલ્વેએ પ૦૩૩ કરોડ રૂપિયાની કમાણી કરી, જે ગયા વર્ષના આ સમયગાળાની સરખામણીમાં પ૩ ટકા વધારે છે. તો આ જ સમય ગાળામાં પશ્ચિમ રેલ્વેમાં મુસાફરી કરનારા પ્રવાસીઓની સંખ્યા ૧૪૩ મીલીયન રહી જે ગયા વર્ષના આ સમય ગાળાના ૯.૯૩ મીલીયની સામે અનેક ગણી વધારે છે.

પશ્ચિમ રેલ્વેએ ભાડા સીવાયની આવકમાં ૪.૧૬ કરોડ રૂપિયાની આવક કરી જે રેલ્વેના બધા ઝોનમાં સૌથી વધારે છે. ઠાકુરે જણાવ્યું કે કુલ આવકનો લગભગ ૮૦ ટકા હીસ્સો માલ ટ્રાન્સપોર્ટેશનનો છે. પશ્ચિમ રેલ્વેએ પોતાની ખાસ પાર્સલ ટ્રેનો દ્વારા ૧ લાખ ટનથી વધારે વસ્તુઓનું વહન કર્યું. પશ્ચિમ રેલ્વે દ્વારા કુલ ૧૪૯૪૪ માલગાડીઓ ચલાવાઇ હતી અને ગયા વર્ષના આ સમય ગાળાની સરખામણીમાં લગભગ ૭ મીલીયન ટન વધારે વસ્તુઓનું ટ્રાન્સપોર્ટેશન કર્યું છે. જેમાં ૭ર સ્પેશ્યલ મિલ્ક ટ્રેનો પણ સામેલ છે.

(3:39 pm IST)