Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

અંદરથી પુરુષ નહિ, પણ સ્ત્રી હોવાનું અનુભવતો આરવ હવે બની ગયો આયેશાઃ હવે લગ્ન કરીને નિભાવે છે પત્ની ધર્મ

૨૧ મી સદીમાં તમે ધારો એ શકય છેઃ તમે દિવસને રાત અને રાતને દિવસ કરી શકો છોઃ સ્ત્રીમાંથી પુરુષ અને પુરુષમાંથી સ્ત્રી બની શકો છો

સુરત, તા.૨૭: ૨૧ મી સદીમાં તમે ધારો એ શકય છે. તમે દિવસને રાત અને રાતને દિવસ કરી શકો છો. સ્ત્રીમાંથી પુરુષ અને પુરુષમાંથી સ્ત્રી બની શકો છો. મેડિકલ સાયન્સ એવી ગતિ કરી રહ્યું છે કે તમે વિચાર મૂકો એ વાત અમલ થાય. ત્યારે સુરતમાં આયશા પટેલ સાથે પણ કંઈક આવુ જ થયું. આયશા પટેલ પહેલા પુરુષ હતી, સર્જરી કરાવીને હવે તે સ્ત્રી  બની ગઈ છે. તેના પરિવારે બળજબરી તેના એક યુવતી સાથે લગ્ન કરાવી દીધા હતા, પરંતુ લગ્ન બાદ તેણે પત્નીને વાસ્તવિકતા જણાવી અને છૂટાછેડા લઇ લીધા હતા. હવે આયશા બન્યા બાદ તેણે નવો સંસાર માંડ્યો છે. સુરતના જ રહેવાસી રોહન સાથે લગ્ન કર્યાં છે.

સુરતનો આરવ પટેલ નાનપણથી પોતાને યુવતી તરીકે જોતો હતો. તે નાનપણથી જ ઈચ્છા રાખતો કે તે મહિલા તરીકે રહે. તેને યુવતીઓના કપડા પસંદ આવતા હતા. તેને ઢીંગલીઓ સાથે રમવાનુ વધુ ગમતુ હતુ. આરવ હંમેશા પોતાની જાતને મહિલા તરીકે જોતો હતો, પરંતુ હકીકત એ પણ હતી કે તે પુરુષ હતો. આખરે રોહન નામના એક યુવકની પ્રેરણાથી તેનામાં હિમંત આવી. મેડિકલ સાયન્સની મદદથી આરવે સર્જરી કરાવવાનું નક્કી કર્યું. આખરે આરવ બની ગયો આયેશા.

સુરતના ત્રણ તબીબોએ આરવનું સપનુ પૂરુ કર્યું. પ્લાસ્ટક સર્જન આશુતોષ શાહ, રિકન્સ્ટ્રકટીવ યુરોલોજિસ્ટ ડો.ઋષિ ગ્રોવર અને GI સર્જન ધવલ માંગુકિયાની ટીમે આરવ પટેલને આયેશા પટેલ બનાવવામાં મદદ કરી. આમ લીંગ પરિવર્તનની સર્જરી પણ દેશના અન્ય મોટા શહેરોમાં જ શકય બનતી હતી ત્યારે પહેલી વખત આ સંપૂર્ણ ટ્રાન્સજેન્ડર સર્જરી સુરતમાં કરવામાં આવી છે.

આયશા પોતાની જૂની ઓળખ વિશે કહે છે કે, જયારે હું આરવ હતી, ત્યારે મારા પરિવારે બળજબરીથી મારા લગ્ન કરાવ્યા હતા. મારા લગ્ન તો થયા હતા, પણ હું પતિ કયારેય બની શકી ન હતી. તેથી મેં મારી પત્નીથી તલાક લીધા હતા. તેના બાદ સોશિયલ મીડિયા પર મારી ઓળખ સુરતના રોહન પટેલ સાથે થઈ હતી. અમારો પરિચય આગળ વધતા અમારા વચ્ચે પ્રેમ થયો હતો અને અમે લગ્ન કર્યાં.

જો કે એ બાદ આરવને સુરતના રહેવાસી રોહન પટેલ સાથે ફેસબૂકના માધ્યમથી મુલાકાત થઇ અને વાત લગ્ન સુધી પહોંચી હતી અને બાદમાં બન્નેએ લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ રોહનના સહકાર અને વિશ્વાસથી આરવે પોતાની સંપૂર્ણ સર્જરી કરાવી હતી.

આરવ પર અલગ અલગ પ્રકારની ૧૦ જેવી સર્જરી કરવામાં આવી. જેના બાદ આરવ પટેલમાંથી તે આયેશા પટેલ બન્યો છે. હવે તે સંપૂર્ણ સ્ત્રી બની ગયો છે અને સફળ લગ્ન જીવન જીવી રહ્યો છે. જોકે, આયેશા પટેલ ભલે મેડિકલ સાયન્સની મદદથી સ્ત્રી બની ગઈ હોય, પણ તે કયારેય ગર્ભ ધારણ નહિ કરી શકે. આ વિશે તે કહે છે કે, હું માતા નહિ બની શકું તેનો મને અફસોસ નથી, હુ તો રોહન સાથે ખુશ છું.

(3:37 pm IST)