Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ગટર સાફ કરવા ઉતરેલા બે સગાભાઈ અને કાકાના મોતઃ હૈયુ હચમચાવી નાખતી ઘટનાથી સર્વત્ર શોકની લાગણી

અમદાવાદના બોપલ વિસ્તારની કરૂણાંતિકાઃ વહેલી સવારે વધુ એક લાશ મળી આવી, કોન્ટ્રાકટર, સુપરવાયઝર સામે ગુન્હા દાખલ : ઢાંકણું ખુલતા પ્રેશર સાથે પાણી અને ગેસ બહાર નીકળતા ભત્રીજા સંદીપને બચાવવા કાકા ગટરમાં ઉતરતા તે પણ ગરકાવ થઇ જતા કાકા અને ભાઈને બચાવવા ભરત ગટરમાં ઉતરતા તે પણ ગરકાવ થયેલઃ 'અકિલા' સાથેની વાતચીતમાં સાણંદના વિભાગીય પોલીસ વડા કે.ટી.કામરિયા ભારે હયે ઘટનાક્રમ વર્ણવે છે

રાજકોટ તા.૨૭, અમદાવાદના બોપલ વિસ્તારમાં કોઈ જાતના સલામતી સાધનો વગર ગટરમાં ઉતરાયેલ બે સગાભાઈ અને તેમના કાકાના કરૂણ મોત નીપજતાં સાણંદ વિભાગના વિભાગીય પોલીસવડા  કે.ટી. કામરિયા દ્વારા તેમની આવી બેદરકારી અંગે ગુન્હાઓ દાખલ કર્યા બાદ તાકીદે તપાસનો ધમધમાટ શરૂ કરવા સાથે વધુ આજે વહેલી સવારે ત્રીજી લાશ પણ શોધી કાઢી છે.

ઉકત બાબતે 'અકિલા' સાથેની વાતચીતમાં મૂળ મોરબી પંથકના વતની એવા કે.ટી.કામરિયા દ્વારા સમગ્ર મામલે વિસ્તૃત રીતે જણાવેલ.

બોપલ ડીપીએસ સ્કુલની પાછળ ટીપી - ૧ થી સન ઓપ્ટીકા સુધીમાં ભૂગર્ભ ગટર લાઈન બનાવવામાં આવી છે. ચોમાસાના કારણે તે ગટરના ઢાંકણા બંધ કરી દેવાયા હતા. ગુરુવારે સવારે કોન્ટ્રાકટરે ૩ મજૂર રાજુભાઈ મેડા(૨૫) તેનો ભાઈ સંદીપભાઈ મેડા(૩૩) અને કાકા ભરતભાઈ મેડા(૫૩)ને ગટરનાં ઢાંકણાં ખોલવાનું કામ સોંપયુ હતું; ં

સંદીપ ગટરનું ઢાંકણંુ ખોલી રહ્યો હતો ત્યારે ઢાંકણું ખોલતાની સાથે જ તેમાંથી પ્રેશર સાથે પાણી અને ગેસ બહાર આવ્યો હતો. જેથી ગૂંગળામણ થવાથી સંદીપ ગટરમાં પડી ગયો. સંદીપને બચાવવા માટે તેના કાકા ભરતભાઈ ગટરમાં ઉતરતા તે પણ ગટરમાં ગરકાવ થઇ ગયા હતા. તે બંનેને બચાવવા માટે રાજુ પણ ગટરમાં ઉતર્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમો પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. રાજુ અને ભરતભાઈને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. થોડા સમય બાદ સંદિપ પણ મળી આવ્યો હતો પણ તેનું પણ મોત થયું. બોપલ પોલીસ કોન્ટ્રાકટર અને લેબર સુપર વાઈઝર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:54 pm IST)