Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

રાજ્યમાં દુષ્કાળના એંધાણ : 20 જિલ્લામાં હજુ વરસાદની 50 ટકાથી વધુ ઘટ :68 ટકાની ઘટ સાથે ગાંધીનગર મોખરે

ગાંધીનગર જિલ્લામાં સરેરાશ 22.51ઈંચની સામે માત્ર 7 ઈંચ વરસાદ: અરવલ્લી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, અમદાવાદ જિલ્લામાં વરસાદની ઘટ 60 ટકાથી વધુ ઘટ

અમદાવાદ : ગુજરાતમાં 20 જિલ્લામાં હજુ પણ વરસાદની 50 ટકાથી વધુ ઘટ છે. ચાલુ વર્ષે ગુજરાતમાં સિઝનનો સરેરાશ માત્ર 11.26 ઈંચ જ વરસાદ વરસ્યો છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસા દરમિયાન 21.68 ઈંચ વરસાદ પડે છે ,ઓગષ્ટ મહિનો પૂર્ણતાના આરે છે ત્યારે રાજ્યમાં હજુ વરસાદની 48 ટકા ઘટ છે. 20 જિલ્લામાં હજુ પણ 50 ટકાથી વધુ વરસાદની ઘટ છે.તેમાં ગાંધીનગર 68 ટકાની ઘટ સાથે મોખરે છે. ગાંધીનગર જિલ્લામાં સરેરાશ 22.51ઈંચની સામે માત્ર 7 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અરવલ્લી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, અમદાવાદ એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદની ઘટ 60%થી પણ વધારે છે. ગુજરાતમાં ગયા વર્ષે 26 ઓગસ્ટ સુધીમાં 35 ઈંચ સાથે મોસમનો 108% વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. જેની સરખામણીએ આ વખતે માત્ર 41.79% વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઇ સંભાવના પણ નથી. સૌથી ઓછો વરસાદ નોંધાયો હોય તેમાં કચ્છ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અરવલ્લીનો સમાવેશ થાય છે. વલસાડ એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં મોસમનો 50 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

આ વર્ષે 129 તાલુકામાં 23.26 ઈંચથી 39.37 ઈંચ, 103 તાલુકામાં 9.88 ઈંચથી 19.68 ઈંચ જ્યારે 20 તાલુકામાં 2 થી 4.92 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. કુલ બે તાલુકા એવા છે જ્યાં વરસાદનું પ્રમાણ 2 ઈંચથી ઓછું છે. જેની સરખામણીએ ગત વર્ષે 4.92 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોય તેવા એકપણ તાલુકા નહોતા.

(11:30 am IST)