Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

નાગપાંચમ સાથે જ ધાર્મિક પર્વોની હારમાળા શરૂ : બજારોમાં ધમધમાટ

નાગપાંચમ, રાંધણછઠ્ઠ, શીતળાસાતમ, જન્માષ્ટમીની ઉજવણીને લઇ ઉત્સાહ : મંદિરોમાં ભીડ દેખાશે, મીની વેકેશનને લઇ ફરવાના આયોજનો

અમદાવાદ તા. ૨૭ : હિન્દુ સમુદાયમાં ભગવાન શિવની આરાધના માટે મહત્વના અવસર ગણાતા શ્રાવણ માસ વેળાએ હવે આજે શુક્રવારે નાગપાંચમની સાથે જ ૪ ધાર્મિક પર્વોની હારમાળા જોવા મળશે.  નાગપાંચમ, રાંધણછઠ્ઠ, શીતળાસાતમ, જન્માષ્ટમીની ઉજવણીને લઈ શ્રદ્ઘાળુઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે.

જયારે ચોથા શનિવાર અને સોમવારે જન્માષ્ટમીની રજાને પગલે મીની વેકેશન મળતું હોય અનેક પરિવારોએ પ્રવાસના આયોજનો કરી દીધા છે. ચાર દિવસ પર્વની હારમાળા અને તેના મહત્ત્વ અંગે આચાર્ય મનન પંડ્યાએ જણાવ્યું હતું કે, શુક્રવારે નાગપાંચમની ઉજવણી માટે સવારે ૯.૩૦થી ૧૧.૦૫ વાગ્યા સુધીનું શુભ મુહૂર્ત છે. ભગવાન શિવના આભૂષણ કહેવાતા નાગદેવની આ દિવસે પૂજા કરવાથી સંકટ અને કષ્ટ દૂર થાય છે. નાગદેવની પૂજાથી ધન લાભના યોગ પણ બને છે. ત્યારબાદ શનિવારે રાંધણછઠ્ઠ નિમિત્તે ધાર્મિક ક્રિયા, શીતળાસાતમની રસોઇના આયોજન સાથે ઉજવણી કરાશે.

બીજા દિવસે રવિવારે શીતળાસાતમે માતાજીની પૂજા માટે સવારે ૭.૪૪થી ૯.૧૮ વાગ્યા સુધી અને બપોરે ૧૨.૦૨થી ૧૨.૩૩ સુધીનું શુભ મુહૂર્ત છે. આ દિવસે ઠંડું ભોજન આરોગવાથી ધન, ધાન્ય, સુખ, શાંતિની પ્રાપ્તિ થાય છે. આખો દિવસ ઠંડું જમવું અને ચૂલો સળગાવવો નહીં. જયારે સોમવારે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી થશે.

  • ધાર્મિક પૂજાની સામગ્રી, પાણી-પૂરી, વાઘાની ખરીદીમાં ધમધમાટ

ચારેય પર્વોની હારમાળા સાથે જ મંદિરોમાં ધાર્મિક કયાનો દોર જોવા મળશે. દરમિયાન ધાર્મિક પૂજાની સામગ્રીની ખરીદી માટેનો ધમધમાટ જોવા મળ્યો છે. બીજી બાજુ શીતળા સાતમના દિવસે ઠડું ભોજન આરોગવાની પરંપરામાં હવે સમય અનુસાર બદલાવ આવ્યા છે. જે અનુસાર સુરત, અમદાવાદ, વડોદરા સહિતના મોટા શહેરોમાં સ્વાદરસિયા શહેરીજનો, પરિવારો રાંધણછઠ્ઠના દિવસે પાણી પુરી, ભેલ, દહીં પુરી સહિતની વાનગીઓ બનાવી શીતળા સાતમે તે જ આરોગે છે. જેને લઇને પાણીપુરીની ખરીદીની તૈયારીઓ શરૂ થઇ છે. જયારે જન્માષ્ટમીને લઇને ભગવાન કૃષ્ણના વાઘા અને ઘરે કાનુડાને પારણે ઝુલાવવા માટે ડેકોરેશન સહિતની સામગ્રીઓની ખરીદીનો ધમધમાટ શરૂ થયો છે.

  • ચારેય પર્વોની ઉજવણી અને મહત્વ

શુક્રવારે નાગપાંચમ : કાલસર્પ દોષમાથી મુકિત માટે નાગપાંચમના દિવસે નાગદેવની પૂજા લાભદાયી નીવડે છે. પ્રાચીન ગ્રંથો અનુસાર નાગદેવતા રાજાપંચમી તિથિના શાસક છે. એટલે નાગપંચમીએ નાગદેવની પુજાથી જીવનમાં સફળતા મળે છે અને ધન લાભનો યોગ બને છે.

શનિવારે રાંધણછઠ્ઠ : આ દિવસે શ્રીકૃષ્ણના મોટા ભાઇ બલરામનો જન્મ થયો હતો. પોતાના પુત્રના લાંબા આયુષ્ય માટે અને એની વૃદ્ઘિ થાય એ હેતુથી ગૃહિણીઓ રસોઇ બનાવે છે. તેમજ બીજા દિવસે શીતળા સાતમે તે ઠંડું ભોજન આરોગવામાં આવે છે. ચુલાની પૂજા કરી ઠંડો કરાઇ છે.

રવિવારે શીતળાસાતમ : શરીર પર ગુમડા, ખંજવાળ, શિરવા, મહારાજ આવવા જેવા ચામડીને લગતા રોગો માટે આ દિવસે શીતળામાતાની પુજા યાય છે. આ દિવસે ઠંડુ આરોગવામાં આવે છે. ઘરે માટીના માતાજી બનાવી અથવા મંદિરે જઇને ઠંડું દૂધ, પાણી ચઢાવી પુજા થાય છે.

સોમવારે જન્માષ્ટમી : શ્રાવણ વદ આઠમે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની રંગારંગ ઉજવણી થાય છે. રાજય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી કરફયુમાં છુટછાટ આપી હોય ભકતોમાં ભારે ઉત્સાહ વ્યાપી ગયો છે. મંદિરોમાં પણ રંગારંગ ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

(10:52 am IST)