Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

જીએસટી નંબર માટેની પડતર અરજીનો તાકીદે નિકાલ કરવા કમિશનરનો આદેશ

અરજી નિકાલના સમય સાથે રિપોર્ટ કરવા સ્ટેટ કમિશનરનું ફરમાન : નવા રજિસ્ટ્રેશન નંબર માટે આડોડાઇ કરતા SGSTના 'બાબુ'ઓ સૂનમૂન

અમદાવાદ,તા.૨૭ : જીએસટીના કાયદાની ઉપરવટ જઇને સ્ટેટ જીએસટીના અધિકારીઓ મનફાવે તે રીતે વેપારીઓ રજિસ્ટ્રેશન નંબર રદ કરી દેવાના નિર્ણયમાં નવા રજિસ્ટ્રેશન નંબર માટે કરવામાં આવેલી અરજીનો તાકીદે નિકાલ કરીને તેનો રિપોર્ટ રજૂ કરવા સ્ટેટ જીએસટી કમિશનરે આદેશ આપ્યો છે.

સ્ટેટ જીએસટીમાં નવા રજિસ્ટ્રેશન નંબર લેવા માટે અરજી કરવામાં આવે તો ઘર પર જ વેપાર કરનારાઓના નંબર ફાળવવામાં આવતા નહોતા. તેમજ કાયદાની ઉપરવટ જઇને પુરાવા પણ માંગીને અરજી રદ કરી દેવામાં આવતી હતી. તેના કારણે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી નવો વેપાર કરનારને જીએસટી નંબરની ફાળવણી કરવામાં ભારે સમસ્યાનો સામનો કરવો પડતો હતો. જે અંગે સીએ, ટેક્ષ બાર એસોસિએશન તથા ચેમ્બરના આગેવાનોએ સ્થાનિક લેવલની સાથે સાથે સ્ટેટ જીએસટી કમિશનર પણ આ સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવા રજુઆત કરી હતી. જેથી સ્ટેટ જીએટી કમિશનરે તાત્કાલિક સુરત સહિતના સ્ટેટ જીએસટીના અધિકારીઓને આદેશ આપ્યો છે કે નવા રજીસ્ટ્રેશન નંબર માટેની જેટલી પણ અરજી પડતર હોય તેનો તાત્કાલીક નિકાલ કરવામાં આવે તેમજ તેનો રિપોર્ટ તૈયાર કરીને જીએસટી કમિશનર સમક્ષ રજુ પણ કરવા તાકીદ કરવામાં આવી છે.

સ્ટેટ જીએસટી કમિશનરના આદેશથી વેપારીઓને રાહત થશે

છેલ્લા એક મહિનાથી નવો જીએસટી નંબર મેળવવા માટે વેપારીઓ પાસે વેરાબિલ ઉપરાંત લાઇટબિલ પણ માંગવામાં આવતા હતા. ઘરના સરનામે રજિસ્ટ્રેશન નંબર ફાળવવામાં આવતા નહોતા વેપારનું સ્થળ બદલવા માટે સ્થળ તપાસ કરવામાં આવતી હતી. જેથી સ્ટેટ જીએસટીના અધિકારીઓની કાયદાની  ઉપરવટની કામગીરીથી વેપારીઓ રીતસર ત્રાસ અનુભવતા હતા. જ્યારે સ્ટેટ જીએસટી કમિશનરે આદેશ કરતા હવે વેપારીઓને નંબર ઝડપથી મળવાની શકયતા ઉભી થઇ છે. જેથી વેપારીઓને જીએસટી નંબર ઝડપથી મળવા થવાની સાથે વેપાર કરવામાં પણ સરળતા રહેશે.

(10:23 am IST)