Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

અન્ય શાળામાંપ્રવેશ વખતે લીવીંગ સર્ટિફિકેટ સાથે ‘ નો ડ્યૂ સર્ટિફિકેટ’ વાલીઓ પાસેથી માંગવા સૂચન

બાકી ફી નહીં ચૂકવતા વાલીઓ સામે શાળા સંચાલક મહામંડળે શાળાઓને સૂચન કર્યું

 

અમદાવાદ :ફી વધારવાના મુદ્દે વાલી મંડળ અને સંચાલકો આમને સામને આવી ગયા છે બીજી તરફ શાળા સંચલકો બાકી ફી વાલીઓ દ્વારા ચુકવવામાં આવે તેવી સરકાર સમક્ષ પણ રજૂઆત કરી છે. તેનું નિરાકરણ આવે તે પહેલાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ વગર પ્રવેશ આપવામાં આવશે તેવી નડિયાદના શાસનાધિકારીની સૂચનાથી શાળા સંચાલકો મુંઝવણમાં મુકાયા છે. માટે જ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા તમામ સંચાલકોને પત્ર લખ્યો છે. જેમાં વિદ્યાર્થી બીજી સ્કૂલમાં પ્રવેશ લેવા માટે જાય ત્યારે પ્રવેશ આપનારી શાળાઓએ વાલી પાસેથી એલસી ઉપરાંત માતૃસંસ્થામાં ફી બાકી નથી તેવું ‘ નો ડ્યુ સર્ટિફીકેટ’ લેવાનું રાખવા માટે સુચના આપી છે. જોકે, સંચાલકોને આ પગલું ફરજિયાત ભરવાના બદલે પોતાની પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં રાખીને આ મુદ્દે નિર્ણય લેવા માટે સંચાલક મંડળ દ્વારા જણાવાયું છે.

રાજ્યની સ્કૂલોમાં 2 સપ્ટેમ્બરથી ધોરણ-6થી 8ના વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવનાર હોવાની સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના તમામ સંચાલકોએ તબક્કાવાર ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકના વર્ગોમાં 50 ટકા ક્ષમતા સાથે પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી યોગ્ય રીતે અભ્યાસ ચાલુ કર્યો છે. સંચાલકો દ્વારા શાળાના પ્રવેશ દ્વાર પર વિદ્યાર્થીનું તાપમાન માપવું, સેનેટાઈઝ કરાવવા, વર્ગમાં દુર દુર બેઠક વ્યવસ્થા ગોઠવવી, રિશેષમાં એક બીજાના નાસ્તામાં હાથ ન નાખે તે તથા એક બીજાની વોટર બોટલમાંથી પાણી ન પીએ તેની કાળજી લેવી, શાળા છુટ્યા બાદ રીક્ષામાં ભીડ ન થાય અને તમામ સ્કૂલ સમય દરમિયાન માસ્ક પહેરે તેની કાળજી સંચાલકો દ્વારા ખાસ લેવામાં આવી છે.

દરમિયાન ગુજરાત રાજ્ય મહામંડળની ટેલિફોનીક કોર કમિટીમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંગે મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, કોર કમિટીમાં એક નિર્ણય લેવાયો છે અને સંચાલકોને યોગ્ય લાગે તો તેનો અમલ કરવા માટે સુચના આપી છે.

કોર કમિટીએ વિચાર્યું છે કે, એક શાળામાંથી બીજી શાળામાં જનારા વિદ્યાર્થીના વાલી પાસેથી બાળકના સ્કૂલ લિવિંગ સર્ટીફેકટ અને માતૃસંસ્થામાં ફી બાકી નથી તેવું ‘ નો ડ્યુ સર્ટિફીકેટ ‘ લેવાનું રાખવું. જેથી આ અમલવારી થાય. છાશવારે શાળા બદલતા મર્યાદીત વાલીઓ પર રોક લગાવી શકાય. સંસ્થા પોતાની રીતે પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાને રાખીને નિર્ણય લે તેમ પણ સંચાલક મંડળ દ્વારા જણાવાયું છે.

(12:24 am IST)