Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ઘટાડો ; છેલ્લા બે દિવસમાં 7 સેન્ટીમીટર સપાટી ઘટી

ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ 20 મીટર જેટલો ખાલી

અમદાવાદ :  સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટીમાં રોજબરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં ફરી 7-સેમીનો ઘટાડો નોંધાયો છે. હાલ નર્મદા ડેમમાં પાણીનું સ્તર તેની ઊંચાઈથી 50 ટકા કરતા પણ ઓછું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેમ 20 મીટર જેટલો ખાલી છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ન પડતા ડેમની સપાટી સ્થિર થઈ છે. છેલ્લા 10 દિવસમાં સ્તર 115થી 116 વચ્ચે રહે છે હાલ નર્મદા ડેમની સપાટી 115.75 મીટર છે. જોકે ઉપરવાસમાંથી 12 હજાર ક્યુસેક પાણીની આવક થતી હોય છે. પરંતુ ગુજરાતમાં વરસાદ ખેંચાતા સિંચાઈ માટે ખેડૂતોએ પાણીની માગ કરતા રાજ્ય સરકારે નર્મદાની મુખ્ય કેનાલમાંથી રોજનું 12 હજાર ક્યુસેક પાણી આપવામાં આવતું હતું. જેને વધારી હાલ 18થી 20 હજાર કરવામાં આવ્યું છે

  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે પણ જાહેરાત કરી કે, ગુજરાતમાં પીવાના પાણીનીં તંગી નહીં પડે, ત્યારે નર્મદા ડેમમાં હાલ 4 હજાર MCM (મિલિયન ક્યુબિક મીટર ) લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. જોકે આવનારા દિવસોમાં જો વરસાદ ખેંચાઈ અને ઉપરવામાં પાણીની આવક ન થાય તો, નર્મદા ડેમમાં પણ જળસંકટ ઉભું થઇ શકે છે. અને ખેડૂતોને સિંચાઈનું પાણી પણ આપવાનું બંધ કરી શકે છે. .

(10:50 pm IST)