Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ થતાં ચકચાર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:મહિલા ઉત્કર્ષ, મહિલા કલ્યાણ સહિત બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે મહિલા શશક્તિકરણના ધજજીયા ઉડાડતા નર્મદા જિલ્લા ઉપપ્રમુખ વિરુદ્ધ આદિવાસી યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.તિલકવાડા પોલીસે નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.હવે શિસ્તતાને વરેલી ભારતીય જનતા પાર્ટી પોતાના જ હોદ્દેદાર વિરુદ્ધ કાર્યવાહી કરે છે કે પછી ભીનું સંકેલવાનો પ્રયત્ન કરે છે એ જોવું રહ્યું.
 તિલકવાડા તાલુકાના જેતપુર ગામની 30 વર્ષીય યુવતીએ નર્મદા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હિરેન રાવજીભાઈ પટેલ વિરુદ્ધ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતી પોતે આદીવાસી હોવાનું હિરેન પટેલે જાણતો હોવા છતાં હિરેન પટેલ આદિવાસી યુવતીને લગ્ન કરવાની અને નોકરીની લાલચ આપી હતી.દરમિયાન એ આદિવાસી યુવતી સાથે અંગત પળો માણી યુવતીની મરજી વિરુદ્ધ અંગત પળોના ફોટા અને વીડિયો ઉતારી લઈ વાયરલ કરવાની ધમકી આપી હતી.સાથે સાથે જો એ યુવતીએ હિરેન પટેલ સિવાય બીજા કોઈ સાથે લગ્ન કર્યા તો એના થનારા પતીને જાનથી મારી નાખવાની અને તેના પરિવારને પણ બરબાદ કરી દેવાની ધમકીઓ આપી હોવાનું ફરિયાદ માં જણાવ્યું છે.યુવતીએ વધુમાં જણાવ્યું છે કે હિરેન પટેલે આવી ધમકીઓ આપી પોતાની સાથે અવાર નવાર યુવતીની મરજી વિરુદ્ધ વડોદરાની અલગ અલગ હોટેલમાં અને અલવા ગામે એના ઘરમાં બળાત્કાર કર્યો હતો, સાથે સાથે યુવતીનો હિરેન પટેલે વારંવાર પીછો કરી પ્રેમ સંબંધ રાખવા માનસિક ત્રાસ આપી દબાણ કર્યું હોવાનું પણ યુવતીએ ફરિયાદમાં જણાવતા તિલકવાડા પોલીસે હિરેન રાવજીભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
 આ યુવતીએ તિલકવાડા પોલીસ મથકમાં છ દિવસથી લેખીત ફરિયાદ કરી છતાં પોલીસ ફરિયાદ નોંધવામાં વિલંબ કેમ થયો..?બીજી બાજુ તડવી સમાજની મહિલા આગેવાનોએ આ મામલે કેવડીયા કોલોનીના ડી.વાય. એસ.પી વાણી દુધાત સમક્ષ રજુઆત કરી હતી.તો આ ઘટના બાદ તડવી સમાજમાં પણ ભારે રોષ ફેલાયો છે.

(10:09 pm IST)