Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

પંચમહાલના શહેરામાં સ્કૂલમાં ગયેલી છોકરીની છેડતી કરનાર 3 યુવાનોને નગ્ન કરી ગ્રામજનોએ ઢોર માર માર્યો

વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદ પરથી 3 યુવાનો સામે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને શહેરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

પંચમહાલ જિલ્લાના શહેરા માં સ્કૂલમાં ગયેલી વિદ્યાર્થિનીની છેડતી કરનાર 3 યુવાનોને નગ્ન કરીને ગ્રામજનોએ ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થિનીના પિતાની ફરિયાદના આધારે 3 યુવાનો સામે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને શહેરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ પોલીસે ત્રણ યુવાનોને ઢોર માર મારનાર સગીરાના દાદા, પિતા, કાકા અને અન્ય ત્રણ શખ્સો સામે પણ ગુનો નોંધ્યો છે.

યુવાનોએ સગીરા પાસેથી મોબાઇલ નંબર માગીને છેડતી કરી હતી.

શહેરા તાલુકાના એક ગામડાની બે વિદ્યાર્થિનીઓ ધો-9 અને ધો-11માં અભ્યાસ કરે છે. કોરોના મહામારીના કારણે થોડા સમય પહેલા જ રાજ્ય સરકારે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેથી બંને વિદ્યાર્થિનીઓ અભ્યાસ અર્થે શાળાએ ગઇ હતી અને બપોરના 12 વાગ્યે શાળા છૂટતાં પોતાના ઘરે પરત જઇ રહી હતી.

તે સમયે જંગલ વિસ્તાર પાસે આવેલા માર્ગ પરથી પસાર થઇ રહી હતી, ત્યારે શહેરાના વિજાપુર ગામનો અનિલ ઉર્ફે ઈનો રતિલાલ લુહાર, મીઠાલી ગામના નિતેશ વિનોદભાઈ રાવત અને જીતેન્દ્રએ ધોરણ-9માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરા પાસે મોબાઇલ નંબરની માગણી કરીને છેડતી કરી હતી.

બીજી વિદ્યાર્થિનીએ યુવાનોને આવુ ન કરવાનું કહેતા તેને પતાવી દેવાની અને સગીરાને ભગાડી જવાની ધમકી આપી હતી. જેથી વિદ્યાર્થિનીઓ ગભરાઇને પોતાના ઘરે આવી ગઇ હતી. 14 વર્ષીય સગીરાએ સમગ્ર ઘટના અંગે તેની માતાને હકીકત જણાવી હતી. જેથી મહિલાએ તેના પતિને જાણ કરતા ગુસ્સામાં આવીને વિજાપુર ગામે રહેતા અનિલ ઉર્ફે ઈનો રતિલાલ લુહારને શોધવા જતા રસ્તામાં જ તે મળી ગયો હતો અને તેને છોકરીની છેડતી કેમ કરી તેમ કહીને મારવા લાગ્યા હતા.

સગીરાના પરિવારે ત્રણેય યુવાનોને નગ્ન કરી ઢોર માર માર્યો ત્યારબાદ તેના અન્ય બે મીઠાલી ગામના મિત્રો કે જે આ છેડતીમાં સામેલ હતા, તેઓને ફોન કરી પસનાલ ચોકડી પર બોલાવાનું કહેતા બંને મિત્રો ત્યાં આવી પહોંચ્યા હતા ત્યારે એક ઇસમ દ્વારા તેની સફેદ ગાડીમાં અનિલ ઉર્ફે ઈનોને પણ ત્યાં લઇ જઇને ત્રણેયને ઢોર માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ પણ તેઓની ગુસ્સો ઓછો ન થતાં ડોકવા ગામની કોઈ અજાણી જગ્યાએ લઇ જઇ ત્રણેય યુવાનોને નાગ્ન કરીને લાકડી, ડંડા જેવા હથિયારો અને ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ ઘટનાની જાણ ખાંડીયા સરપંચને થતાં તેઓએ ત્રણેય યુવાનોને બચાવીને શહેરા પોલીસને જાણ કરી હતી. પોલીસે ગંભીરતા જાણી તાત્કાલિક ત્યાં પહોંચી 108 દ્વારા ઇજાગ્રસ્ત ત્રણેય યુવાનોને શહેરા સરકારી દવાખાને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જોકે 14 વર્ષીય સગીરાની છેડતી કરનાર 3 યુવાનોને નાગ્ન કરી ઢોર માર મારવાની ઘટનાને લઈ સમગ્ર શહેરા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય યુવાનો સામે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. તો

સામે પક્ષે પણ ત્રણ યુવાનો પૈકી અનિલ ઉર્ફે ઈનોએ પોતે નિર્દોષ હોવાનું જણાવીને સગીરાના દાદા, પિતા, કાકા અને બીજા ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલના તબક્કે યુવાનો પોલીસની નજર હેઠળ સારવાર હેઠળ છે અને સારવાર પૂર્ણ થયા બાદ કોરોના ગાઇડલાઇન પ્રમાણે તેઓની ધરપકડ કરવામાં આવશે. વધુ માં પોલીસે સગીરાના દાદા, પિતા, કાકા અને અન્ય ત્રણ ઈસમોની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યાં હોવાનું જાણવા મળે છે

(10:04 pm IST)