Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

લ્યો બોલો : અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ ભાજપના કોર્પોરેટરને ગાંઠતા નથી: ફોન પણ ઉપાડતા નથી

સ્ટેન્ડિંગ કમિટીએ આ બાબતને સહજતાથી લીધી: જોકે પછી ચેરમેને કહ્યું ફોન ન ઉપડનાર અધિકારી સામે યોગ્ય કાર્યવાહી થશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ભલે સત્તાના સૂત્રો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પાસે હોય પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ ભાજપના કોર્પોરેટરનેય ગાંઠતા નથી. છાશવારે આ પ્રકારની ફરિયાદો ઉઠતી રહે છે પણ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની વાત તો છોડો પણ ઠપકો આપવાની હિંમત પણ કોઈની ચાલતી નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ ભાજપના કોર્પોરેટરોને ગાંઠતા નથી અને ફોન પણ ઉપાડતા નથી.

વધુ એક ભાજપના કોર્પોરેટરે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ફરિયાદ કરી હતી કે, ” ડે. હેલ્થ ઓફિસર મેહુલ આચાર્ય ઉડાઉ જવાબ આપે અને મનફાવે તો ફોન ઉપાડે છે, મોટેભાગે ફોન ઉપાડતા નથી. ” ભાજપના કોર્પોરેટરની ફરિયાદ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીને ઠપકો આપવાની પણ હિંમત ન દાખવી ન હતી.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વધુ એક અધિકારીની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર મેહુલ આચાર્ય સામે ઠપકા દરખાસ્ત કરવા ભાજપના કાઉન્સિલરની સ્ટેન્ડિંગ કમિટીમાં રજુઆત કરી હતી પણ સ્ટેન્ડીંગ કમિટીએ કોઈ નિર્ણય કર્યો નહતો.

અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે પરંતુ હેલ્થ અધિકારી મેહુલ આચાર્ય ફોન નથી ઉપાડતા હોવાની કાઉન્સિલરની ફરિયાદ હતી પણ સ્ટેન્ડિંગ કમિટીએ આ બાબતને સહજતાથી લીધી હતી. બીજી તરફ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, ” અધિકારી ફોન નથી ઉપાડતા તે વાત ચલાવી લેવામાં નહિ આવે. રોગચાડો વકર્યો છે ત્યારે ફોન ન ઉપડનાર અધિકારો સામે યોગ્ય કાર્યવાહી થશે.”

(9:13 pm IST)