Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ“નો-પાર્કિંગ ઝોન જાહેર : પાથરણા વાળાઓને બેસવાની મનાઈ:ઘર્ષણના એંધાણ

પાથરણા વાળાઓને બેસવાની મનાઈ ફરમાવવાતું જાહેરનામું પ્રસિદ્ધ કરતા રોષ ફેલાયો

રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું ત્યારથી લઈને અત્યાર સુધી તંત્ર દ્વારા સ્થાનિકોના લારી-ગલ્લાઓ હટાવવાની કામગીરીને લઈને અનેક વાર અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા જ છે. ત્યારે હવે નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના કેટલાક વિસ્તારોમાં “નો-પાર્કિંગ ઝોન જાહેર કરવાની સાથે પાથરણા વાળાઓને બેસવાની મનાઈ ફરમાવવાતું જાહેરનામું પ્રસિદ્ધ કરતા રોષ ફેલાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 17 મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવે છે, ત્યારે એ દિવસે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે એવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.ત્યારે આ જાહેરનામાનો અમલ કરાવવામાં તંત્ર અને સ્થાનિકો વચ્ચે ફરી ઘર્ષણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

આ વિસ્તારમાં સ્થાનિક ગ્રામજનો કેવડિયાથી ડેમ સાઈડ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, તદ્ઉપરાંત પ્રવાસન સ્થળ નજીક કોઈને નડે નહી તે રીતે લારી-ગલ્લા રેકડીઓ કરી જીવન ગુજરાન કરતા હોય છે. ત્યારે તેઓની આ જાહેરનામાંને લઈ રોજગારી છીનવાઈ જશે કારણ કે તેઓ પાણીના બોટલ, બિસ્કીટ તેમજ નાની મોટી ખાવા પીવાની વસ્તુઓને વેચી રોજગારી મેળવવા હતા પણ આ સરકારી જાહેરનામાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં ધ્વારા SOUADTGA ઓથોરીટી-કેવડીયાના એકતા દ્વારથી ડેમ વ્યુ પોઇન્ટ-3 સુધીના મુખ્ય માર્ગ, ફૂટપાથ તથા બંને બાજુનો વિસ્તાર અને ડેમ વ્યુ પોઇન્ટ-3 થી ભુમલીયા ચોકડી સુધીના સરક્યુલર માર્ગ તથા બંને બાજુનો વિસ્તાર તેમજ ગોરા બ્રીજ તથા ગોરા બ્રીજથી કેક્ટસ ગાર્ડન અને એકતા નર્સરી તરફ જવાના મુખ્ય માર્ગ તથા બંને બાજુના વિસ્તારને “નો પાર્કિંગ ઝોન” જાહેર કરાયો છે તથા સદરહું વિસ્તારમાં પાથરણાવાળાઓને બેસવાની મનાઈ  ફરમાવાઇ છેઆ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

 નર્મદા જિલ્લા પંચાયતના સામાજીક ન્યાય સમિતિ અધ્યક્ષ દિનેશ તડવીએ જણાવ્યું હતું કે ખાસ કરીને આ વિસ્તારમાં છ ગામ પૈકીનાં જ જમીન ગુમાવનાર લોકોને રોજગારી નથી મળી તેવા સ્થાનિકો જ ધંધો કરી રહ્યા છે.સત્તામંડળ કે નર્મદા કલેકટર આવા પરિવારોને ન્યાય આપવા માટે પહેલ કરે.દેશના કોઈ પણ પ્રખ્યાત સ્થળે લારી ગલ્લા કે પાથરણાથી રોજગારી મેળવતા હોય જ છે.જેમણે જમીનો ગુમાવી દીધી છે તેવા ઘણા પરિવારો રોજગારીથી વંચિત છે.તે બાબત કેમ પ્રસાશન નથી વિચારતું.વર્ષો જુની મુળભુત સમસ્યાઓ છે તેને દુર કરો તો પ્રજા સરકારનો આભાર માનશે.

(9:09 pm IST)