Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ગાંધીનગરમાં સે-21માં અજાણ્યા વાહને યુવાનને હડફેટે લેતા સારવાર દરમ્યાન કમકમાટીભર્યું મૃત્યુ

ગાંધીનગર: શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શુક્રવારની મોડી રાત્રે - સર્કલ પાસે ધોળાકુવાના યુવાનને અજાણ્યું વાહન અડફેટે લઈ ફરાર થઈ ગયું હતું અને ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર માટે ગાંધીનગરથી અમદાવાદ સિવિલ લઈ જવાયો હતો. જયાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. ઘટના અંગે સે-ર૧ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર વાહનચાલકને પકડવા દોડધામ શરૂ કરી છે

અન્ય શહેર કરતાં ગાંધીનગર શહેરના માર્ગો પહોળા છે જેના કારણે વાહનચાલકો રોકેટગતિએ વાહનો હંકારતાં હોય છે. જો કે પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ પણ વધતી હોય છે. અકસ્માત બાદ વાહન લઈને ફરાર થઈ જવાની ઘટનાઓ પણ વધી રહી છે જે લોકો અને પોલીસ માટે ચિંતાનો વિષય છે. ગાંધીનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી હીટ એન્ડ રનની ઘટનાઓએ માથું ઉંચકયું છે. ધોળાકુવા ગામનો યુવાન આવી ઘટનાનો ભોગ બન્યો છે. જે અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક ધોળાકુવામાં રહેતો ૩૧  વર્ષીય યુવાન કિરણ દેવાજી પરમાર ગત શુક્રવારની મોડી રાત્રે અઢી વાગે શહેરના - પાસે હતો તે દરમ્યાન કોઈ અજાણ્યું વાહન તેને અડફેટે લઈ નાસી છુટયું હતું. જેથી ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડાયો હતો. જયાં તેની તબિયત  લથડતાં  તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લઈ જવાયો હતો. જયાં શનિવારે સવારે સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. જે ઘટના અંગે તેના મોટા ભાઈ સુરેશ પરમારની ફરીયાદના આધારે સે-ર૧  પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.

(6:49 pm IST)