Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

બનાસકાંઠાનું કરમાવત તળાવ ભરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિધેયાત્મક અભિગમ દાખવ્યો

ગાંધીનગરમાં પાણી પુરવઠા-જળસંપત્તિ મંત્રી સહિતના મંત્રીઓ-બનાસકાંઠાના સાંસદઓ –ધારાસભ્યો-પદાધિકારીઓ અને અધિકારીઓની ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીએ આપ્યું માર્ગદર્શન

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાનું કરમાવત તળાવ ભરવા માટેની લાંબા સમયની માંગણી અંગે તળાવ ભરવા માટે વિધેયાત્મક અભિગમ દાખવ્યો છે.  
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે બનાસકાંઠાના વડગામ નજીકના આ કરમાવત તળાવમાં પાણી ભરવા માટેના ઉપાયો ચકાસવા અધિકારીઓને સૂચના આપી હતી.
આ બેઠકમાં પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્ય મંત્રી જીતુભાઇ ચૌધરી તેમજ બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ અને રાજ્ય મંત્રી કિર્તિસિંહ, ગજેન્દ્રસિંહજી પણ ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠાનું આ કરમાવત તળાવ ભરવા અંગે જિલ્લાના ગ્રામીણ પ્રજાજનોની રજૂઆત સંદર્ભમાં સાંસદ પરબતભાઇ પટેલ,દિનેશભાઇ અનાવાડિયા, ધારાસભ્ય શશીકાંત પંડયા, પૂર્વ મંત્રી હરિભાઇ ચૌધરી, બનાસડેરીના સવશીભાઇ, જિલ્લા કિસાન મોરચાના મેઘરાજભાઇ, તાલુકા પ્રમુખ મોતીભાઇ, કેશાજી ચૌહાણ તેમજ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહજી અને પદાધિકારી તથા અગ્રણીઓએ મુખ્યમંત્રી અને વરિષ્ઠ મંત્રીઓ તથા અધિકારીઓ સાથે વિશદ ચર્ચા-પરામર્શ કર્યા હતા.
મુખ્યમંત્રીએ આ તળાવ ભરવા અંગે શું કાર્યયોજના અને આયોજન થઇ શકે તે જોવા માટે જળસંપત્તિ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના મંત્રીઓ અને સચિવોને સૂચના આપી હતી.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી અને અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, પાણી પુરવઠા સચિવ ધનંજય દ્વિવેદી, જળસંપત્તિ વિભાગના સચિવ કે.એ.પટેલ, સચિવ વિવેક કાપડીયા તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ વગેરે આ બેઠકમાં જોડાયા હતા. 

 

(8:36 pm IST)