Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

સુરતમાં મોજશોખ માટે વાહન ચોરીના રવાડે ચડી ગયેલા 2 શખ્‍સોની ધરપકડ

પોલીસે મોંઘીદાટ બુલેટ સહિત 7 બાઇક કબ્‍જે કર્યાઃ તપાસનો ધમધમાટ

સુરતઃ વાહન ચોરી કરતા બે યુવાનોને ક્રાઇમ બ્રાન્‍ચે અડાજણ, ઉમરા પોલીસ મથકના 7 ચોરીના ગુનાઓમાં ધરપકડ કરી છે. દીપેશ દેવાણી અને નગરાજ ભાર્ગવ ચોરીની બાઇક લઇને વરાછા ગરનાળા પાસે ફરી રહ્યા હતા ત્‍યારે 7 ચોરીની બાઇક કબ્‍જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોજશોખ માટે વાહનોની ચોરી કરનાર બે યુવાનોને કાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. જેઓની પાસેથી પોલીસે બુલેટ સહિત 7 ચોરીની બાઇકો કબજે કરી હતી અને અડાજણ, ઉમરા પોલી મથકના 7 ચોરીના ગુનાઓ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.

ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બે યુવાનો ચોરીની બાઇક લઈને વરાછા ગરનાળા પાસે ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને બન્નેને ઝડપી પાડ્યા હતા. બન્ને પાસે ગાડીના પુરાવા માંગતા રજૂ નહિ કરી શકતા પોલીસે બન્નેની અટકાયત કરી ચોરીનું બાઇક કબજે કર્યું હતું.

પોલીસ પૂછપરછમાં બન્નેએ પોતાનું નામ દીપેશ દેવાણી અને નગરાજ ભાર્ગવ જણાવ્યું હતું. તેઓ બન્ને મોજશોખ માટે આ બાઇકોની ચોરી કરતા હોવાનું પોલિસ સમક્ષ કબૂલાત કરી હતી. તેઓએ ઉમરા, અડાજણ તથા ખટોદરા મળી કુલ 7 બાઇક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે મોંઘીદાટ એવી બુલેટ સહિત 7 ચોરીની બાઇકો કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:11 pm IST)