Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

નાંદોદ તાલુકાની બોરીદ્રા પ્રાથમિક શાળામાં વિશ્વ જળ દિવસની કરાયેલી ઉજવણી

શાળામાંથી ગામમાં લોક જાગૃતિ અર્થે બાળકો દ્વારા રેલી યોજાઈ : ગામલોકોએ પાણી બચાવવાનો સંકલ્પ લીધો : વિશ્ચ જળ દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : પાણીનું સમગ્ર જીવન સૃષ્ટિમાં શું મહત્વ છે તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. પાણી વિના પૃથ્વી પર રહેવું અશક્ય છે. દુનિયાનો ૭૦ ટકા ભાગ પાણીથી ઘેરાયલો છે તેમાં પણ ૯૭ ટકા પાણી પીવા લાયક નથી. માત્ર ૩ ટકા પાણી પર સમગ્ર દુનિયા જીવીત છે. તેથી જ લોકો પાણીનું મહત્વ સમજે તેવા આશયથી દર વર્ષે ૨૨ માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી  કરવામાં આવે છે. આ દિવસનું ઉદ્દેશ્ય લોકોને સ્વચ્છ જળનું મહત્વ સમજાવવાનો અને તેના પ્રત્યે જાગ્રત કરવાનો છે.

 નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાના બોરિદ્રા ગામે આવેલી પ્રાથમિક શાળામાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણાની આગેવાનીમાં ગામમાં "પાણી બચાવો જીવન બચાવો" બેનર હેઠળ રેલી યોજીને ગામમાં જળ બચાવવાનો ગલીએ ગલીએ શાળાના બાળકો દ્વારા સંદેશો આપવામાં આવ્યો હતો. ગામ લોકો તથા બાળકોને શિક્ષક દ્વારા ગુલાબના ફૂલો આપીને પાણી બચાવવા વિનંતી કરવામાં આવી હતી. શાળામાંથી ગામમાં ફળિયે ફળિયે જઈને લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યોહતો. ગામલોકોએ પાણી બચાવવાનો સંકલ્પ પણ લીધો હતો. વિશ્ચ જળ દિવસ નિમિત્તે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
- વિશ્વ જળ દિવસનો ઈતિહાસ

 ૧૯૯૨માં બ્રાઝિલમાં પર્યાવરણ અને વિકાસ પરિષદ  યોજાઈ હતી. જેમાં વિશ્વ જળ દિવસની ઉજવણીનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. આ પછી, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ વર્ષ ૧૯૯૨માં ઠરાવ પસાર કર્યો હતો અને જાહેરાત કરી કે વિશ્વ જળ દિવસ દર વર્ષે ૨૨ માર્ચે ઉજવવો જોઈએ. આ પછી, વર્ષ ૧૯૯૩ માં વિશ્વ જળ દિવસની પ્રથમ વખત જવણી કરવામાં આવી. વર્ષ ૨૦૧૦માં  યુએનએ સલામત, સ્વચ્છ પીવાના પાણી અને સ્વચ્છતાના અધિકારને માનવ અધિકાર તરીકે માન્યતા આપી હતી.

- વિશ્વ જળ દિવસ ૨૦૨૩ની થીમ

 આ વર્ષે વિશ્વ જળ દિવસ ૨૦૨૩ ની થીમ પરિવર્તન સાથે જોડાયેલી છે.આ વર્ષે થીમ ‘એક્સેલેરેટિંગ ચેન્જ’ રાખવામાં આવી છે."બી ધ ચેન્જ" અંતર્ગત પાણી સંબંધિત અભિયાનની ઉજવણી કરવામાં આવશે. જે લોકોને પાણીનો ઉપયોગ, વપરાશ અને વ્યવસ્થાપન કરવાની રીત બદલવા માટે તેમના પોતાના જીવનમાં પગલાં લેવા પ્રોત્સાહિત કરે છે.

   
(10:10 pm IST)