Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

વડોદરામાં બાપોદ પોલીસે જુદા જુદા ત્રણ સ્થળોએ દરોડા પડી કંપનીના નામે ડુપ્લીકેટ કપડાંનું વેચાણ કરતા ત્રણ વેપારીની ધરપકડ

વડોદરા: બાપોદ પોલીસે ખાનગી કંપનીના સહયોગથી બાપોદ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ ત્રણ સ્થળોએ દરોડા પાડી પુમા કંપનીના નામે ડુપ્લીકેટ ટીશર્ટ, ટ્રેક ,પેન્ટ,જેકેટ સહિતના મટીરીયલનું વેચાણ કરતા ત્રણ વેપારીઓની કોપીરાઇટ ભંગ બદલ ધરપકડ કરી 1.27 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હરિયાણા ખાતે આવેલ ખાનગી કંપની પુમા કંપનીના કોપીરાઈટના હકોના રક્ષણનું કામ કરે છે. કંપનીને ચોક્કસ માહિતી મળી હતી કે બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વન સુપર કલેક્શન ,ગાયત્રી કલેક્શન તથા હાવે સ્પોર્ટ દુકાનમાં પુમા કંપનીના ડુપ્લીકેટ માર્ક વાળા પેકિંગમાં જેકેટ, ટ્રેક, પેન્ટ, શોર્ટ નીકર તથા ટીશર્ટનું વેચાણ થાય છે. જેથી બાપોદ પોલીસને સાથે રાખી બાતમી મુજબના સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર એકેડમી પાસે એસ.એમ કોમ્પલેક્ષમાં આવેલ એવન સુપર કલેક્શનના સંચાલક આરીફ સલીમભાઈ ખત્રી (રહે -એકતા નગર, આજવા રોડ)ની દુકાનમાંથી પુમા કંપનીના લોગો વાળા 24,600ની કિંમતના જેકેટ ,ટ્રેક, પેન્ટ મળી આવ્યા હતા. ત્યારબાદ સુપર બેકરી સામે આવેલ સરસ્વતી એપાર્ટમેન્ટમાં ગાયત્રી કલેક્શનના સંચાલક આકાશ રોશનભાઈ જૈન (રહે -સાંઇ શ્રદ્ધા ડુપ્લેક્સ, આજવા રોડ)ની દુકાનમાંથી રૂપિયા 5500ની કિંમતના પુમા કંપનીના માર્કાવાળી ડુપ્લીકેટ ટીશર્ટનો જથ્થો મળી આવ્યો હતો. તેવી રીતે કમલા નગર તળાવ પાસેના દિવ્ય પ્લાઝા વેલ ખાતેની હાવે સ્પોર્ટના સંચાલક મણિશંકર સિંઘ (રહે- આરાધ્યા ડિવાઇન ,બાપોદ)ની દુકાનમાંથી પુમા કંપનીના ડુબલીકેટ રૂપિયા 39 હજારની કિંમતના ટીશર્ટ, શોર્ટ નીકર તથા ટ્રેક પેન્ટ મળી આવ્યા હતા. પોલીસે 330 નંગ ટીશર્ટ, 212 નંગ ટ્રેક પેન્ટ, 100 નંગ શોર્ટ નીકર તથા 69 નંગ જેકેટ સહીત કુલ રૂ. 1,27,300નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓની કોપીરાઇટ એકટ મુજબ ધરપકડ કરી હતી.

(6:53 pm IST)