Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ગાંધીનગરમાં રિક્ષામાં કરિયાણાના વેપારીને બેસાડી ગઠિયાઓએ લૂંટી લેતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી તેમના રૃપિયા અને કીમતી માલસામાન ચોરી લેતી ટોળકીનો તરખાટ વધી રહ્યો છે ત્યારે શહેરના પાંચથી રીક્ષામાં બેસાડીને મેઉ ગામના કરિયાણાના વેપારીના ૧૬ હજાર રૃપિયા ગઠિયાઓએ સેરવી લીધા હોવાની વિગતો બહાર આવી છે. મામલે સેક્ટર સાત પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.

પાટનગર ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરીના બનાવોની સાથે ગઠિયા ટોળકીનો તરખાટ વધી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી શહેરમાં મુસાફરોના રીક્ષામાં બેસાડી તેમના કીમતી માલ સામાનની ચોરી કરી લેવાની ઘટના વધી રહી છે ત્યારે શહેરના ઘ પાંચથી રીક્ષામાં બેસાડીને મહેસાણાના મેઉ ગામના કરિયાણાના વેપારીના રૃપિયા સેરવી લેવામાં આવ્યા હોવાની ઘટના બહાર આવી છે. આ મામલે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મેઉ ગામે રહેતા અરજણજી પ્રતાપજી ચાવડા અમદાવાદ કાલુપુર ખાતે કરિયાણું લેવા માટે જઈ રહ્યા હતા તે સમયે બસમાંથી ઘ પાંચ ખાતે ઉતર્યા હતા. જ્યાં એક રીક્ષા તેમની પાસે આવી હતી જેમાં ચારથી પાંચ વ્યક્તિઓ સવાર હતા અરજણજીને રીક્ષામાં બેસાડી આ ગઠિયાઓ ઘ-૨ સર્કલ પાસે પહોંચ્યા હતા. જ્યાં તેમને રિક્ષામાંથી ઉતારીને અન્ય પેસેન્જર લઈ આવવાની વાત કરી હતી. ભાડું લેવા માટે પણ આ ગઠિયા રોકાયા ન હતા. ત્યારબાદ અરજણજીએ ખિસ્સામાં તપાસ કરતા ૧૬ હજાર રૃપિયા જણાયા ન હતા. જેથી આ ગઠીયાઓ ચોરી ગયા હોવાનો અંદાજ આવી ગયો હતો. જોકે તેમને લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી ફરિયાદ કરવા માટે ગયા ન હતા અને આ મામલે ગઈકાલે સેક્ટર ૭ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે

(6:39 pm IST)