Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ગુજરાતમાં આગામી 3 દિવસમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી

પંજાબ તરફ સર્જાયેલ વરસાદી સિસ્‍ટમને કારણે જુદા-જુદા વિસ્‍તારોમાં વરસાદની આગાહી ખેડૂતોમાં ચિંતાનો માહોલ

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ અને પોરબંદરમાં વરસાદની ગતિ વધુ રહેશે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગના મતે, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ડાંગ, વલસાડ અને નવસારીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. પંજાબ તરફ સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે. પવનની ગતિ અને દિશા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાય છે. હવામાન વિભાગે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની આગાહી કરી છે. ભરઉનાળે આવેલા માવઠાએ ખેડૂતોના પાકનો સોથ વાળ્યો છે. ઘઉં, કપાસ, બાજરી, એરંડા સહિત કેરીનો પાક માવઠાએ બગાડ્યો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે  કહ્યું છે કે, હાલ વાતાવરણમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય છે. આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેશે. આજે અમદાવાદ અને ગાંધીનગર સામાન્ય વરસાદની સંભાવના છે. જેમાં કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અરવલ્લી, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ સહિતના સામાન્ય વરસાદની આગાહી છે. 21 માર્ચના ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. જેથી 21 થી 22 ફરી ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ બંને દિવસોમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં  વરસાદની આગાહી છે.

હજુ ત્રણ દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની આગાહી કરાઈ છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. કચ્છ, ભાવનગર, અમરેલીમાં માવઠાની આગાહી છે. તો સાબરકાંઠા, અરવલ્લીમાં પણ માવઠાની આગાહી છે. મહીસાગર, તાપી, નર્મદા, ડાંગમાં માવઠાની આગાહી કરવામા આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે. રાજ્યમાં ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસું બેસી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માવઠાએ હદ કરી નાંખી છે. વરસાદ અને કરાવર્ષાને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. ખેતરોમાં ઉભો તેમજ કાપેલો પાક પલળી ગયો છે. ખેતીને થયેલા નુકસાનનો અંદાજ માંડી શકાય તેમ નથી.

ગુજરાતના માથે માવઠાની ઘાત બેઠી છે. માંડ ઋતુ બેસે ત્યાં માવઠું આવી જાય. પંદર દિવસ દિવસમાં ગુજરાતનું હવામાન બદલાઈ જાય છે. કમોસમી વરસાદ ગમે ત્યારે ખાબકી પડે છે. ત્યારે હવે ગુજરાતીઓ કંટાળ્યા છે. તેમને એક જ સવાલ થાય છે કે આ કમોસમી વરસાદની મોસમ ક્યારે જશે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પાસેથી આનો જવાબ મળી ગયો છે. તેમણે જણાવ્યું કે, સાકલોનિક સર્ક્યુલેશનની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળી રહી છે. હજુ પણ 22 માર્ચ સુધી અમુક ભાગમાં કમોસમી  વરસાદ થશે.

(6:07 pm IST)