Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

અમદાવાદ: પૂર્વ વિસ્તાર અને માત્ર પુરુષોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતા આરોપીઓ ઝડપાયા

પુરુષો વધુ વજન વાળી ચેઇન પહેરતા હોય છે એટલે ખાસ પુરુષોને જ ટાર્ગેટ કરતા હતા

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તાર અને માત્ર પુરુષોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતા આરોપીઓ ઝડપાયા છે. ત્રણ મિત્રોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી આઠ ગુનાનાં ભેદ ઉકેલાયો છે. ત્યારે સવાલ એ થાય છે કે કોણ છે આ લૂંટારું મિત્રોની ગેંગ?

પોલીસે ધરપકડ કરેલા શખ્સોનું નામ શિવસિંગ ઉર્ફે આશુ સીકરવાર, દિલીપ ઉર્ફે ભુરો રાજપૂત અને રાજારામ ઉર્ફે સોનુ યાદવ છે. આ તમામ આરોપીઓ ખાસ મિત્રો છે. આ આરોપીઓ ખાસ અમદાવાદ શહેરના નિકોલ નરોડા રામોલ જેવા પૂર્વ વિસ્તારને ટાર્ગેટ કરતા હતા. અહીં સાંજે કે રાત્રે નીકળતા માત્ર પુરુષોને જ ટાર્ગેટ કરવામાં આવતા હતા. જે પણ એકલ દોકલ પુરુષ નીકળે ત્યારે છરો બતાવી સોનાની ચેઇન લૂંટી લેવામાં આવતી હતી.

આરોપીઓની માન્યતા છે કે પુરુષો વધુ વજન વાળી ચેઇન પહેરતા હોય છે એટલે ખાસ પુરુષોને જ ટાર્ગેટ કરતા હતા. આરોપીઓ એક જ સોસાયટીમાં રહે છે. આરોપીઓ મોજશોખ અને બાઇક તથા મોબાઈલ ખરીદવા ચેઇન સ્નેચિંગના રવાડે ચડ્યા હતા. આરોપીઓમાં શિવસિંગ ઉર્ફે આશુ હથિયારના ગુનામાં પકડાયો હતો. જ્યારે દિલીપ ઉર્ફે ભુરો હથિયારના ગુનામાં પકડાયો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ અનેક લોકોને લૂંટયા હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓએ ખાસ પૂર્વ વિસ્તારને જ ટાર્ગેટ કર્યો હતો. ત્યારે હજુય કેટલા એવા ગુના આચર્યા છે જે પોલીસ ચોપડે નોંધાયા નથી. હાલ તો નોંધાયેલા આઠ ગુનાનો ભેદ ઉકેલાયો છે અને હવે આરોપીઓની કબૂલાત બાદ વધુ ગુનાનાં ભેદ ઉકેલાયા તેવી શક્યતા છે.

(6:06 pm IST)