Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ર૬ લોકસભા ક્ષેત્રોમાં ભાજપનું યોજનાકીય અને આંકડાકીય માઇક્રો પ્‍લાનિંગ

નરેન્‍દ્રભાઇ મોદીની હાજરીમાં સાંસદોની બેઠકમાં વિસ્‍તૃત ચર્ચા : સી.આર. પાટીલનું ‘નવસારી મોડેલ' અનુસરવા સલાહ : દરેક મતક્ષેત્રમાં થયેલ વિકાસ કામો, સરકારી યોજનાઓનો લોકોને લાભ, અગાઉની અને અત્‍યારની પરિસ્‍થિતિમાં તફાવત, ર૦૧૯ અને ર૦રર માં મળેલા મત વગેરેની માહિતી એકત્ર કરી પ્રત્‍યેક મતદાર સુધી પહોચવા સાંસદોને આદેશઃ મતદારોને જન્‍મદિન, લગ્નદિન તેમજ માઠા પ્રસંગોના સંદેશ મોકલવા સુચના : ધારાસભામાં જીતેલી ૧પ૬ પૈકી ૩૩ બેઠકોમાં કોંગ્રેસ અને આપના મતનો સરવાળો ભાજપના મત કરતા વધુ

રાજકોટ, તા.રર :  ગઇકાલે સાંજે નવી દિલ્‍હીમાં વડાપ્રધાનના નિવાસ સ્‍થાને ગુજરાતના લોકસભા અને રાજયસભાના તમામ સભ્‍યોની બેઠક મળેલ જેમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી, કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ, રાષ્‍ટ્રીય પ્રમુખ જે.પી. નડા, ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, સંગઠન મહામંત્રી રત્‍નાકર વગેરેની હાજરીમાં લોકસભાની ચૂંટણીમાં રાજયની તમામ ર૬ બેઠકો જીતવાના માઇક્રો પ્‍લાનિંગની ચર્ચા થયેલ. પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે તેમના મતક્ષેત્રનું પ્રેઝન્‍ટેશન રજુ કરેલ કેન્‍દ્રીય નેતાગીરીએ આ મોડેલ અનુસરવા અન્‍ય સાંસદોને સલાહ આપી હતી.

સી.આર. પાટીલએ પોતાના મત વિસ્‍તારમાં થયેલી વિકાસકામો, સરકારી યોજનાઓનો લોકોને મળેલ લાભ વગેરે સાથેનું પ્રેઝન્‍ટેશન તૈયારી કરી  સંસદની ચૂંટણીમાં મતદારો સુધી કઇ રીતે પહોચવુ તેનું માર્ગદર્શન આપેલ. સાંસદ તરીકેના કાર્યાલયમાં આવતા મુલાકાતીઓ માટેની સુવિધા તેમજ પ્રશ્નોના નિકાલ માટેની આધુનિક ટેકનોલોજી આધારિત વ્‍યવસ્‍થાનું તેમણે વિગતવાર વર્ણન કર્યુ હતું. મત વિસ્‍તારની અગાઉની પરિસ્‍થિતિ અને ભાજપના શાસન પછી આવેલ બદલાવ અંગે મતદારોને વાકેફ કરવા તેમણે સૂચવ્‍યું હતું.

મતદારોના જન્‍મદિન, લગ્ન દિન જેવા પ્રસંગોએ શુભેચ્‍છા સંદેશ મોકલવા તેમજ માઠા પ્રસંગોએ આશ્વાસન આપવા જવા અથવા શોક સંદેશ મોકલવાની પ્રથા અનુકરણીય હોવાનું જણાવાયેલ કેન્‍દ્રીય નેતાઓએ સરકારી યોજનાઓનો લાભ મળવાપાત્ર હોવા છતા જે લોકોને ન મળ્‍યો હોય તેને લાભ અપાવવા સાંસદોને તાકિદ કરી હતી. જીત માટે વધુ પડતો આત્‍મવિશ્વાસ રાખવાના બદલે યોગ્‍ય આયોજનથી સખત મહેનત કરવા જણાવ્‍યું હતું.

ગુજરાતમાં ભાજપને ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં અને ધારાસભાની ર૦રરની ચૂંટણીમાં મળેલા મતનું વિશ્‍લેષણ કરવા તેમજ ધારાસભામાં જયાં ભાજપનો પરાજય થયો છે તેવા ર૬ વિધાનસભા મતક્ષેત્રો પ૧ વધુ ધ્‍યાન કેન્‍દ્રીય કરવા સાંસદોને સૂચના આપવામાં આવી હતી. ધારાસભામાં ભાજપે જીતેલી ૧પ૬ પૈકી ૩૩ બેઠકો પર કોંગ્રેસ સહિતના વિપક્ષોને મળેલ મતનો સરવાળો ભાજપને મળેલ મત કરતા વધુ હોવાનો ઉલ્લેખ બેઠકમાં થયો હતો. લોકસભાની આગામી ચૂંટણીમાં ર૬ પૈકી કેટલા સાંસદોને ફરી ટીકીટ મળશે ? તે અત્‍યારે કોઇ કહી શકે તેમ નથી પણ ચૂંટણીની તૈયારીની દ્રષ્‍ટિએ ગઇકાલની બેઠક ખૂબ મહત્‍વપૂર્ણ ગણાય છે.

(1:01 pm IST)