Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ચિલોડા-નરોડા હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં એકનું કમકમાટી ભર્યું મોત

ગાંધીનગર: શહેર નજીક આવેલાં ચિલોડા-નરોડા હાઇવેનું કામ ચાલી રહ્યું છે ત્યારે વનવેના કારણે આજે બે ટ્રકની સાથે કાર અથડાઇ ગઇ હતી. આઇસર ટ્રકમાં સવાર એક વ્યક્તિનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતને પગલ માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ડભોડા પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતો માટે પહેલીથી જ જોખમી રહેલાં ચિલોડા-નરોડા હાઇવેને હાલ સીક્સલેન બનાવવામાં આવી રહ્યો છે. આ હાઇવેનું કામ ચાલી રહ્યું હોવાથી વનવે કરવામાં આવ્યો છે. હંમેશા ભારે ટ્રાફિકથી છવાયેલા રહેતાં આ માર્ગ ઉપર પ્રાંતિયા ગામના પાટીયા પાસે આજે બપોરના સમયે બે ટ્રક અથડાઇ હતી અને એક કાર પણ તેની સાથે અથડાતા પલ્ટી ગઇ હતી.આ અકસ્માતમાં આઇસર ટ્રકમાં સવાર બે વ્યક્તિઓ કેબીનમાં ફસાઇ ગયા હતાં અને શરીરે ગંભીર ઇજાઓના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અકસ્માતને કારણે વનવે રહેલાં આ માર્ગ ઉપર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ ડભોડા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ત્યારબાદ ટ્રાફિકને પુર્વવત કરવા માટેની મથામણ શરૃ કરવામાં આવી હતી.

 

 

(5:12 pm IST)