Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ગુજરાતના પ્રવાસે હવે યુકેના વડાપ્રધાન પધારશે : તા. ર૧ ના ગુજરાની મુલાકાત લેશે : અક્ષરધામ અને ગિફટ સીટીની મુલાકાત લેશે

વડાપ્રધાનનો આવતીકાલે 21મીના રોજ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ છે

ગાંધીનગર : મોરેશિયસ બાદ યુકેના વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવનાર છે. તેઓ આગામી 21મીના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન ગાંધીનગર ખાતે ગુજરાત જ નહી, પરંતુ દેશનું આઈકોન ગણાતા એવા વૈશ્વિક ઓળખ મેળવનાર 'ગિફ્ટ સિટી' અને 'અક્ષરધામ'ની પણ મુલાકાત લેશે તેવી વિગતો છે.

હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. મોરેશિયસના વડાપ્રધાન પણ ગુજરાતના મહેમાન બનેલા છે. એવામાં હવે યુકેના વડાપ્રધાન બોરીસ જોહનસન પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમની ગુજરાતની આ મુલાકાતમાં ગાંધીનગરનો પણ સમાવેશ છે. તેઓ વડોદરા જશે, ત્યારબાદ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી અને અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે તેવું જાણવા મળ્યું છે.

દેશના પહેલા ઓપરેશનલ સ્માર્ટ સિટી અને આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ સર્વિસ સેન્ટર ગિફ્ટ સિટીની યુકેના વડાપ્રધાનની મુલાકાતને લઈને અનેક વ્યાપારીક લાભોની શક્યતાઓ ઉભી થઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને જિલ્લા વહીવટી તંત્ર ઉભા પગે છે.

વડાપ્રધાનનો આવતીકાલે 21મીના રોજ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ છે. જેની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન યુકેના વડાપ્રધાનના પ્રવાસની વિગતો આવતાં તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા પોલીસ પણ વડાપ્રધાનના આગમનની તૈયારીઓ પુર્વેથી એલર્ટ મોડ પર છે. આજે જ ભારત તથા મોરેશિયસ બે દેશના વડાપ્રધાનનો અમદાવાદ ખાતે રોડ શો યોજાયો હતો.

અમદાવાદથી ઈન્દિરાબ્રીજ સુધીના રોડ શો બાદ નરેન્દ્ર મોદી ગાંધીનગર ખાતે રાજભવન રાત્રિરોકાણ માટે પહોંચ્યા હતા. યુકેના વડાપ્રધાનની ગિફ્ટ સિટીની મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર ખેંચાઈ છે.

(11:55 pm IST)