Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

ગાંધીનગરના કલોલમાં યુવકની હત્‍યા થઇ હતીઃ 9 વર્ષની ભત્રીજી રીયા રાવલે ફોન અનલોક કરતા જ બનાવનો ભાંડો ફૂટયો

મોબાઇલમાં ધમકી ભર્યા મેસેજ મળ્‍યા, ઓડિયો રેકોર્ડીંગ પણ હાથ લાગ્‍યા

ગાંધીનગર :ગાંધીનગરના કલોલમાં થોડા દિવસ પહેલા એક 24 વર્ષીય યુવકે આત્મહત્યા કરી હતી. જેમા પરિવાર આત્મહત્યાનું કારણ જાણી શક્યો ન હતો. ત્યારે એક 9 વર્ષની બાળકીએ આ આત્મહત્યાનુ કારણ શોધી કાઢ્યુ છે. યુવકની ભત્રીજીએ કાકાના ફોનને અનલોક કરતા જ તેને કોઈ ધમકી આપી હોવાનુ ખૂલ્યુ હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરના કલોલ તાલુકાના મોખાસણ ગામમાં 24 વર્ષીય કેતન રાવલ પોતાના પરિવાર સાથે રહેતો હતો. 14 એપ્રિલની રાત્રે કેતન ક્યાંક ચાલ્યો ગયો હતો. ભારે શોધખોળ બાદ પણ કેતન પરિવારને મળ્યો ન હતો. જેના બાદ બીજા દિવસે 15 એપ્રિલના રોજ કેતનનો મૃતદતેહ ભાદોળ ગામના એક વૃક્ષ પર લટકતો મળી આવ્યો હતો. આ ઘટના બાદ પરિવાર અને પોલીસ બંને દોડતી થઈ હતી. પોલીસે સ્યૂસાઈડ નોટ અને પુરાવાઓના આધારે કેતનની આત્મહત્યાને આકસ્મિક મોત ગણાવ્યું હતું. જેના બાદ પરિવારે કેતનની અંતિમ વિધિ કરી હતી.

આ બાદ 17 એપ્રિલના રોજ કેતનની નવ વર્ષની ભત્રીજી રીયા રાવલે તેનો ફોન મોબાઈલ ગેમ રમવા માટે લીધો હતો. રીયા પાસવર્ડ જાણતી હોવાથી તેણે ફોન અનલોક કર્યો હતો. જેના બાદ પરિવારને કેતનના ફોનમાંથી કેટલાક પુરાવા હાથ લાગ્યા હતા.

પરિવારે મોબાઈલ ચેક કરતા જાણવા મળ્યુ કે, છત્રાલનો વિષ્ણુજી ઠાકોર નામનો શખ્સ કેતનને ધમકાવતો હતો. વિષ્ણુજી ઠાકોરને શંકા હતી કે કેતન અને તેની દીકરી વચ્ચે પ્રેમસંબંધ હતો. તેથી તેણે કેતન અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કેતન આ વાતથી ગભરાઈ ગયો હતો અને તેણે આત્મહત્યાનુ પગલુ ભર્યુ હતું.

બીજી તરફ, પરિવારે કેતનના ફોનમાંથી કેટલાક ઓડિયો રેકોર્ડિંગ્સ પણ મળ્યા હતા. જેમાં વિષ્ણુજી ઠાકોર કેતનને અને પરિવારને મારી નાંખવાની અને ગામમાં તેની બદનામી કરવાની ધમકી આપી રહ્યો હતો. આમ, ફોનમાંથી સામે આવેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને કલોલ પોલીસે સમગ્ર બનાવ અંગે ઠાકોર સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાની ફરીયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

(5:54 pm IST)