Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

વડોદરાના ડભોઇ વિસ્તારમાં હાર્ડવેરની દુકાન નજીક પાર્ક કરેલ કારનો કાચ તોડી ગઠિયા લેપટોપ સહીત રોકડ લઇ રફુચક્કર

વડોદરા: ડભોઇમાં હાર્ડવેરની દુકાન પાસે પાર્ક કરેલી વડોદરાના વેપારીની કારનો કાચ તોડી કારમાં મૂકેલ લેપટોપ, રોકડ અને અન્ય સામાન રાખેલ બેગની ઉઠાંતરી થઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં નર્મદાનગર સોસાયટીમાં રહેતા તલપન શૈલેષભાઇ શાહ ફર્નિચર અને હાર્ડવેરનો હોલસેલનો વેપાર કરે છે. તેઓ ગ્રામ્ય વિસ્તારમાં હાર્ડવેરને લગતા સામાનનું વેચાણ કરતા હોવાથી વારંવાર ગ્રામ્યમાં પ્રવાસ પર જવાનું થતું હોય છે. આજે સવારે તેઓ પોતાની ટાટા કંપનીની હેરિયર ગાડીમાં ડભોઇ ગયા  હતાં.

વડોદરા ભાગોળ વિસ્તારમાં રોડ પર કાર પાર્ક કરી તેઓ એસબીઆઇ બેંક નજીક રમેશ ખીમજી પટેલની મારુતી પ્લાયવુડ એન્ડ હાર્ડવેરની દુકાને ગયા હતાં. દુકાનમાં કામ પૂર્ણ કરી તેઓ પરત ફર્યા ત્યારે કારની  પાછળની ખાલી સાઇડનો ગ્લાસ તૂટેલો હતો જેથી દરવાજો ખોલીને જોયું તો સીટ પરથી રૃા.૧૦ હજાર રોકડ, લેપટોપ, અન્ય દસ્તાવેજો મૂકેલ કાળા રંગની બેગની ઉઠાંતરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:37 pm IST)